રાજકોટ(Rajkot):પ્રથમ વખત એવો બનાવ બન્યો છે,કે MBBSના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓને ગેરશિસ્ત અને લેક્ચરમાં મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોમ્પ્યુનિટી મેડિસીન વિષયના લેકચરમાં 15 દિવસ સુધી નહીં બેસવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આગળ પણ જો આ પ્રકારનું વર્તન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી મેડિકલ કોલેજના ડીન દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
રાજકોટમાં આવેલી પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના ડીન ડો. મુકેશ સામાણીએ જણાવ્યું હતું કે, ગત તારીખ 20 જુલાઈના રોજ કોમ્યુનિટી મેડિસીનનો લેક્ચર ચાલુ હતો, મહિલા પ્રોફેસર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. ત્યારે પછળની બેંચીસ પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ બેઠા હતા. તેમને આગળ બેસવાનું કહેવામાં આવ્યું છતાં વિદ્યાર્થીઓ આગળ આવ્યા ન હતા અને મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ વાતની મને લેખિત ફરિયાદ મળી હતી.
વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે, અભદ્ર વર્તન કોણ કરે છે, પરંતુ કોઈ વિદ્યાર્થીએ કોઈનું નામ આપ્યું ન હતું માટે તમામ 200 વિદ્યાર્થીઓને 15 દિવસ માટે મેડિસિન કોમ્યુનિટી વિષયનો લેક્ચર ન ભરવા એટલે કે આ વિષય માટે 15 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.