રાજ્યમાં 48 કલાક કોલ્ડવેવથી તાપમાન હજી 3 ડિગ્રી સુધી ગગડશે, અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો

કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા બાદ હવે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે. આ તેજ પવનોથી નલિયા, અમદાવાદ, સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં શીત લહેર વ્યાપી છે. આ બર્ફીલા પવનોને કારણે હજી પણ 48 કલાક સુધી સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો સરેરાશ 3 ડિગ્રી નીચો જઈ શકે છે. આ રીતે જોઈએ તો નલિયામાં 2 ડિગ્રી અને અમદાવાદમાં 8 ડિગ્રી જેટલું તાપમાન થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડીમાં હજી વધારો થવાની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઠંડીનું જોર વધ્યું છે.

આગામી સપ્તાહમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડીગ્રી ઘટે તેવી શક્યતા છે. વહેલી સવારથી ઠંડા પવનો ફુકાતા હોવાથી લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો છે. નલિયામાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. નલિયાનું લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી પર પહોંચ્યું હતું. ભુજનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું. રાજયના અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચ્યું છે. રાજ્યમાં અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન ઘટી અનુક્રમે 10 અને 8.7 ડિગ્રીએ પહોંચી જતા તીવ્ર ઠંડી વર્તાઇ હતી. રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેતા લોકોએ મોડી રાત્રે અને પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છેકે, આગામી બે દિવસ દરમિયાન કચ્છના વિવિધ ભાગોમાં કોલ્ડ વેવની શક્યતા છે.

ત્રણ દિવસ મોટાભાગના સ્થળોએ પારો 10 ડિગ્રીની નીચે જશે: હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીની વ્યાપક અસર જોવા મળશે. આ રીતે જોઈએ તો નલિયા, અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન રહેશે. ગઈકાલે રાતથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઠંડા પવનો શરૂ થયા હતા. આજે સવારે પણ ઠંડા પવનોને કારણે કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી. વાતાવરણમાં પલટો આવવાને કારણે સવારના વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ત્રણેક દિવસ કોલ્ડવેવ રહ્યા બાદ આગામી સોમવાર ને 20 ડિસેમ્બરથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થવાનું શરૂ થઈ શકે છે. ગુજરાતના સૌથી ઠંડા સ્થળ ગણાતા કચ્છના નલિયામાં હાલમાં 5 ડિગ્રી તાપમાન છે, જે ઘટીને 2 ડિગ્રી સુધી રહ્યા બાદ સોમવારથી થોડીક રાહત મળી શકે છે. જો કે, 25મી પછી ફરી ઉત્તરના ઠંડા પવનોને કારણે ચાર-પાંચ દિવસ સુધી તાપમાન નીચું રહી શકે છે. આ સ્થિતિમાં જાન્યુઆરીના પહેલા સપ્તાહથી બદલાવ આવવાનો શરુ થઈ શકે છે.

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને લઇ 22 ડિસેમ્બર નજીક ઉત્તર ભારતનાં રાજ્યોમાં માવઠાની આગાહી છે. આ સિસ્ટમ વિખેરાઇ ગયા બાદ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોલ્ડ વેવનો રાઉન્ડ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન આખા ગુજરાતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. ઠંડીનો પારો 11થી 13 ડીગ્રી વચ્ચે પણ જવાનું અનુમાન છે.