સાતમ આઠમ નજીક આવતા જુગાર ક્લબ ધમધમ્યા છે. રાજકોટમાં ચાલતા બે જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડ્યો છે જેમાં આંઠ પત્તાં પ્રેમીઓ ઝડપાયા અને કુલ ૧૩ લાખથી પણ વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી ભરતવન સોસાયટીમાં આવેલા તુલસી બંગ્લોઝમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુગારધામ પર દરોડો પાડયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી પત્તા ટીચતા આલોક નરેન્દ્ર મલકાણ, બ્રિજેશ રમેશ રાજાણી, ભાવેશ પ્રવીણ જોબનપુત્રા, કેતન ભીખુ ભટ્ટી, મિથીલેશ બિપીન બોદાણી, ધવલ દિલીપ સોલંકી, પીન્ટુ ચંદુ પરમાર અને અક્ષય રજૂ વાઘેલા નામના શખ્સોને દબોચી લીધા હતા. ડીસીબીએ દરોડામાં રૂ.૯૨,૫૦૦ની રોકડ સહિત કુલ રૂ.૧૩,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. તો અન્ય દરોડામાં પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ આર.એચ. કોડિયાતર સહિતના સ્ટાફે લખન ભરવાડના મકાનમાં દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતા કૌશિક ધનસુખ પોપટ, સંજય ગોવિંદ રૈયાણી, પરેશ ચકુ, પંકજ ગોપાલ અને બહાદુર પ્રભાત નામના શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.૫૨,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.