ગુજરાત (Gujrat ): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો લોકોને રીઝવવા નવી નવી જાહેરાતો કરી રહ્યા છે.જાડા ધાન્યના ઉત્પાદન અને ઉપયોગને વધુ વેગ આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા 14 જિલ્લામાં વસવાટ કરતાં આદિજાતિ ખેડૂતોને પ્રથમ વાર ‘કૃષિ વૈવિધ્યકરણ’ યોજના હેઠળ જાડા ધાન્યના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા ગુણવત્તાયુક્ત બિયારણ-ખાતર વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ યોજના હેઠળ ખરીફ સિઝન માટે ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રૂ. 30 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ચોમાસું ઋતુમાં આદિજાતિ વસ્તી ધરાવતા વિવિધ ૧૪ જિલ્લાના નિયત માપદંડ ધરાવતા ખેડૂતોને બિયારણ અને ખાતર આપવામાં આવે છે.
વિવિધ જિલ્લા માટે પસંદ કરાયેલા પાક અનુસાર સરેરાશ રૂ.૪,૧૨૮/- જ્યારે વધુમાં રૂ.૫,૪૦૦/- સુધીની કિંમતની બિયારણ અને ખાતરની કીટ લાભાર્થી દીઠ રૂ. ૫૦૦/-નો નજીવો લાભાર્થી ફાળો લઈને આપવામાં આવે છે.રાજ્યમાં આશરે 9.12 લાખ હેક્ટર જમીનના 8 લાખથી વધુ ધરતીવાસીઓને આ પેકેજનો લાભ મળશે.