પાવાગઢ (Pavagdh ): કલોલનો યુવક તેની પ્રેમિકા એવી ત્રણ સંતાનોની માતા જે પિતરાઈ ભાભી હતી તેની સાથે પાવાગઢ મંદિરે બાધા પૂરી કરવા માટે આવ્યો હતો. પાવાગઢમાં માતાજીના દર્શન કરીને તળેટીમાં આવ્યા પછી તેઓએ ભૂખ લાગતા નાસ્તો ખરીદ્યો અને હેલીકલ વાવની પાછળના જંગલ વિસ્તારમાં આવેલા ડુંગર ઉપર નાસ્તો કરવા અને ફરવા માટે પહોંચ્યા હતા.ડુંગર ઉપર યુવકની પ્રેમિકાનો પગ લપસ્યો હતો જેનો હાથ યુવકે પકડીને તેને બચાવવા જતા યુવકવો પણ લપસ્યો હતો.
બંને જણા 30થી 40 ફૂટ જેટલું જંગલના ઢાળ ઉપર ઢસડાઈને 150 ફૂટની ઊંડી ખીણમાં પડ્યા હતા.ઘનઘોર જંગલમાં યુવક અને તેની પ્રેમિકા 150 ફૂટ જેટલી ઊંચાઈએથી પડ્યા હોવાથી બંને ઈજાગ્રસ્ત હાલતમાં કણસતા કણસતા પડી રહ્યા હતા. આખી રાત પ્રાણીઓની દહાડ અને ઝરણાઓના ખળખળ અવાજના ડરથી વિતાવી હતી.
તેઓની પાસે રહેલા મોબાઇલ પણ ન મળતા વહેલી સવારે મોબાઈલ હાથ લાગતાં બંનેએ 108ને ફોન કરી મદદ માગી હતી. જોકે 108ની ટીમ દોઢ કલાક સુધી જંગલમાં ફરી હતી, પરંતુ યુવક અને યુવતીનું લોકેશન ના મળતા આખરે પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી.પાવાગઢ પોલીસનો સ્ટાફ પણ બે કલાક સુધી જંગલમાં ફર્યો હતો અને આખરે યુવક અને તેની પ્રેમિકાને શોધી કાઢ્યા હતા.