રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની હાલત દિવસે દિવસે કથળતી જઈ રહી છે અને શહેરમાં આવારા તત્વો અને લુખ્ખાઓનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. રાજકોટની ગણતરી એક સમયે શાંત શહેર તરીકે થતી હતી પરંતુ છેલ્લા એક દાયકામાં રાજકોટ શહેરમાં આવા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ચા અને પાનની દુકાને આડેધડ વાહન પાર્કિંગ કરવું. રોડ વચ્ચે બુલેટ અને કાર પાર્ક કરવી આ બધું રાજકોટમાં જાણે સામાન્ય થઇ ગયું છે.
હમણાં થોડા સમય પહેલા જ રાજકોટના બીઆરટીએસ રોડ પર કેટલાક અવાર તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં લાઈક મેળવવા માટે સ્ટંટ કર્યા હતા. કેટલાક લુખ્ખાઓની પહોંચ રાજકીય સુધી હોય છે એટલે તેમને પોલીસ પણ કઈ કરી શક્તિ નથી. સામાન્ય નાગરિક અને છોકરીઓને અમુક વિસ્તારમાંથી નીકળતા દિવસે ડર લાગે છે.
રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓના જ્યાં બંગલો આવેલા છે ત્યાં અને રાજકોટ પોલીસ કમિશ્નરની કચેરી જ્યાં આવેલી છે તેવા રેસકોર્સ રિંગ રોડ પર ધૂમ બાઈક અને ધૂમ કાર ચલાવીને નીકળતા નબીરાને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજકોટમાં પલંગ ચોક પાસે આવેલી ફૌજી હોટલ, કનૈયા પાન અને મોમાઈ હોટલ અને પાનના ગલ્લે આવા લુખ્ખા અને અવાર તત્વોનો જાણે અડ્ડો બની ગયો છે.
રાજકોટ શહેરના મધ્યમાં આવેલા સોરઠીયાવાડી સર્કલ પાસેતો પાન અને ચા ની દુકાન પાસે આ અવાર તત્વો પડ્યાપાથર્યા રહે છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ વધી ગયો છે તેના લીધે હવે પોતાન ધંધા રોજગાર લઈને બેઠા લોકો પણ ડરી ડરીને ધંધો કરે છે. પોલીસ જાણે મૂક પ્રેક્ષક હોય અને કોઈ જાણ ન હોય તેમ અનેક ગુનાઓ કર્યા હોય છતાં પણ આવા તત્વોને પાથ ભણાવી શક્તિ નથી.
રાજકોટ શહેર એક સમયે રાત્રે 12 વાગ્યા બાદ પણ કોઈ સામાન્ય વ્યક્તિ આરામ થી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતો હતો પરંતુ અત્યારના વાતાવરણને લીધે રાત્રી દરમિયાન જો કોઈ કામ અર્થે બહાર ગયા હોય તો ઘરના વ્યક્તિ સતત ચિંતા કરતા હોય છે તેટલો ભયનો માહોલ હોવા છતાં પણ કોઈ કાયદા કે વ્યવસ્થાનું પાલન કરવામાં આવતું નથી.