શહેરના વાઘોડિયા રોડ પર એક પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પતિ, પત્ની અને બાળકના આપઘાતથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. પરિવારે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રિતેશ મિસ્ત્રી અને તેમના પરિવારે મોત વ્હાલુ કર્યું છે. દેવુ થઈ જતાં પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલુ ભર્યુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. એસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, કોઈની સામે આક્ષેપો કર્યાં નથી, પણ દેવું વધારે હતું. તેઓએ ક્યાં ક્યાંથી લોન લીધી હતી, તેની તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.
મૃતક પ્રિતેષ મિસ્ત્રી શેરબજારનો વ્યવસાય કરતાં હતા. તેણે દીવાલ પર સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી હતી. આર્થિક સ્થિતિ બગડતાં અને દેવું થઈ જતાં આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસ કમિશ્નરને ઉદ્દેશી લખ્યું છે કે મોબાઇલમાં સુસાઇડ નોટ લખેલી છે, અમારા પરિવારને કોઈ હેરાન ન કરે. કોઈ બેંક કે એનબીએફએસ પરિવારને હેરાન ન કરે. સોરી માં, મોટાભાઈ, સોરી પ્રિયા બહેન, માતાનું ધ્યાન રાખશો.
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દર્શનમ ઉપવન સોસાયટીમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સગા સંબંધીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવામળ્યું છે. દર્શનમ ઉપવન ડુપ્લેક્ષના મકાન નં-102માં રહેતા પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી(ઉ.30) શેરબજારનું કામ કરતા હતા. તેઓ 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતા. આજે સવારે પ્રિતેશભાઈ, તેમના પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રી(ઉ.32) અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્ત્રી (ઉ.07)ના ઘરમાંથી મૃતદેહો મળી આવ્યા હતા.