સુરતમાં રખડતા શ્વાનનો આતંક, શ્વાને નાની બાળકીનો ગાલ કરડી ખાધો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

શહેરમાં શ્વાનનો આતંક બેફામ રીતે વધી રહ્યો છે. શહેરના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાં એક શ્વાને નાની બાળકીને ગાલ પર બચકું ભર્યાની ઘટના સામે આવી છે. જેમાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટના બાદ શ્વાનને પકડવા માટે આદેશ આપી દેવાયા હતા. આ ઘટના સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારની છે. હંસ સોસાયટીમાં નાની બાળકીને ગાલ પર કૂતરાએ બચકું ભર્યું હતું. નાની બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કૂતરા દ્વારા નાની બાળકીને કારડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

આ ઘટનાને પગલે તાત્કાલિક કૂતરાને પકડવા અધિકારીને જાણ કરાઇ હતી. જે બાદ ટીમ દ્વારા કૂતરા પકડવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો. આ દ્રશ્ય નજરે જોનાર એક મહિલાએ જણાવ્યું કે, અમે ચા કોફી પીતા હતા ત્યારે અચાનક જ બાળકી આવી અને થોડી વારમાં જતી રહી. પરંતુ ત્યાર બાદ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો તો અમે જઈને જોતાં બાળકીનો ગાલમાં ગાબડુ પડી ગયું હતું. તો અન્ય સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, બાળકી રમતા રમતા આગળ આવી હતી એટલામાં શ્વાન ત્યાં આવ્યું અને બાળકીને કરડી ગયું હતં.

આ બનાવ અંગેની જાણ સુરત પાલિકાના માર્કેટ વિભાગને થતાં પાલિકાના માર્કેટ વિભાગે ત્વરિત આ શ્વાન બીજા કોઈને કરડે તે પહેલાં તેને પકડી લેવામા આવ્યો છે અને આ શ્વાન હડકાયો છે કે નહીં તે અંગે નિરીક્ષણ હેઠળ મુકવામા આવ્યો છે. સુરતમાં પહેલાં રખડતા ઢોરનો ત્રાસ હતો, હવે રખડતા શ્વાનનો હુમલો થતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે.