વડોદરા (Vadodra):વડોદરાથી ગયેલા અનેક લોકો અટવાયાની વિગતો પ્રકાશમાં આવી છે. જ્યારે શુક્રવારે વેમાલીના 58 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જ્યારે 34થી વધુ લોકો અટવાયા છે. વાઘોડિયા રોડના 14 લોકો બરફ વર્ષા વચ્ચે ભીના કપડે ભીના ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે.
અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં જ વરસાદ અને બરફનું વિઘ્ન શરૂ થયું હતું, છતાં પ્રશાસને પ્રયત્નો કરી રસ્તા ખુલ્લા કરી યાત્રા શરૂ કરી હતી. જોકે વરસાદ અને બરફ બંધ થવાનું નામ નથી લેતા. યાત્રાળુઓ માઇનસ 3 ડિગ્રી તાપમાનમાં અમરનાથની ગુફા સુધી પહોંચે છે ત્યારે હાલત કફોડી બને છે.
વેમાલીના નિલેશભાઈ પટેલ દ્વારા જાણવા મળ્યા મુજબ રાજેન્દ્રભાઈ ભાટિયાનું અવસાન થતાં તેમનો મૃતદેહ પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવી રહ્યો છે.રાજેન્દ્રભાઈના પરિવારમાં પત્ની, બે દીકરીઓ અને દીકરો છે. જે માટેની ઔપચારિકતાઓ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર મૃતદેહ લાવવા માટે અત્રેથી લખાણ મોકલાવું પડતું હોય છે. અમરનાથ શ્રાઈન બોર્ડ તમામ ખર્ચ ઉઠાવતું હોય છે .વાઘોડિયા રોડના નિસર્ગ શાહ 14 લોકો સાથે પંચતરણીમાં અટવાયા છે. તેમણે જણાવ્યા મુજબ તેમની સાથે 5 મહિલા, બાળકો છે.
ટેન્ટ, ગાદલાંની સાથે તેમનાં કપડાં પણ ભીનાં છે. નીચે જવા ચાલતા, ઘોડા પર કે હેલિકોપ્ટરમાં જઈ શકાય તેમ નથી. તમામ વસ્તુ બંધ છે. ઉપર એટલા લોકો અટવાયા છે કે આર્મીને પણ મદદ કરવી મુશ્કેલ બને છે. ટ્રાવેલ્સ સંચાલકના પુત્ર નિત પટેલે જણાવ્યું છે કે, રૂા.5ની મેગીના લોકો 100 રૂપિયા લે છે .લોકો પાસે પૈસા નથી.
રાજમહેલ રોડ ચિરાગ ટ્રાવેલ્સની બસના 20 યાત્રી પંચતરણીમાં ફસાયા છે. ન્યાયમંદિર વિસ્તારનાં 50 વર્ષીય નીરૂબેન મનુભાઈની હાલત બગડતાં પ્રાથમિક સારવાર ઇમર્જન્સીમાં નીચે લઈ જવા તબીબે લેટર આપ્યો, છતાં જઈ શકાતું નથી.