અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે બધાજ લોકોને ધ્રુજાવી દીધા છે,9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પટેલ પર લોકો ખુબ જ ધિક્કાર વરસાવી રહ્યા છે,આવા કેસમાં હંમેશા એ વાતની શંકા હોય છે કે પોલીસ સમક્ષ નિવેદન આપનારી આરોપીની માતા કોર્ટમાં પોતાના નિવેદન પર કાયમ રહેશે કે નહીં?
અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસ સમક્ષ ૧૯ વર્ષના તથ્ય પટેલની માતા નિલમ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તથ્યને લક્ઝુરિયસ કાર્સમાં પોતાના મિત્રો સાથે ડ્રાઈવ પર જવાનો ખૂબ જ શોખ હતો. આ કાર્સ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેના મિત્રો પાસેથી લાવતા હતા, તેમ પણ નિલમ પટેલનું કહેવું છે.
આ કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ પોલીસે સહઆરોપી બનાવ્યા છે, અને હાલ તે સાબરમતી જેલમાં બંધ છે. કોર્ટે તથ્યના રિમાન્ડ મંજૂર કર્યા તે વખતે તેના પિતાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
નિલમ પટેલનો એવો પણ દાવો છે કે, તથ્ય જ્યારે પણ તેના દોસ્તો સાથે ડ્રાઈવ પર જતો ત્યારે કાર ફુલ સ્પીડ પર દોડાવતો હતો, જે બાબતે પોતે ચિંતા વ્યક્ત કરતાં ઘરે પણ આ અંગે તેની સાથે ચર્ચા કરી હતી, પરંતુ તથ્યએ માતાની સલાહ અવગણીને પોતાનો શોખ ચાલુ રાખ્યો હતો. નિલમ પટેલે પોતાના નિવેદનમાં એવું પણ લખાવ્યું છે કે ૨૦ જુલાઈએ રાત્રે અકસ્માત થયો ત્યારે તથ્યએ જ ઘરે ફોન કરી તેની જાણ કરી હતી.
અકસ્માત થયાની જાણ થયા બાદ પોતે શું કર્યું હતું તે અંગે નિલમ પટેલનું એવું કહેવું છે કે તે રાત્રે પતિ પ્રજ્ઞેશ પટેલ સાથે પોતે પણ ઘટનાસ્થળ પર ગઈ હતી, જ્યાં રસ્તા પર લાશો પડી હતી અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા તેમજ તથ્યને રોષે ભરાયેલા ટોળાંએ ફટકાર્યો હતો.
પોલીસનું કહેવું છે કે નિલમ પટેલે પોતાના દીકરા સામે જે નિવેદન આપ્યું છે તેનાથી તથ્યના ભૂતકાળ અને એક્સિડન્ટ સીન પર જે સ્થિતિ હતી તેના વિશે પોલીસને ઠોસ માહિતી મળી છે, અને તેનાથી તથ્ય સામે મજબૂત કેસ તૈયાર કરવામાં મદદ મળશે. એક પોલીસ અધિકારીએ ત્યાં સુધી જણાવ્યું હતું કે ઈતિહાસમાં પહેલીવાર આરોપી સામે સજ્જડ પુરાવા એકત્ર કરવાની કવાયતરૂપે તેની માતાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.