સુરત (Surat ):સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલા ચીકુવાડી ખાતે ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા હોસ્પિટલમાં એક સાથે 30 પ્રસુતિ થતાં રેકોર્ડ સર્જાયો હતો. હોસ્પિટલના 10 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે એક જ દિવસે 30 પ્રસુતિ થતા હોસ્પિટલ દ્વારા નવો રેકોર્ડ બનાવાયો હતો.
આ તમામ બાળકો અને તેમની માતાઓ સ્વસ્થ છે. આ અંગે હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, આખી હોસ્પિટલમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. અહીં પુત્રી જન્મનો કોઈ ચાર્જ વસૂલાતો નથી. અહીં કોઈ પણ દંપતીને એકથી વધુ પુત્રીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી રૂ. એક લાખનો બોન્ડ પણ અપાય છે.
આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય એટલે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયનનો ચાર્જ 5000 રૂપિયા છે.અત્યાર સુધી ડાયમંડ હોસ્પિટલ દ્વારા 2 હજાર દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ અર્પણ કર્યા છે. હોસ્પિટલના આ ઉમદા કાર્યને જોઈ દૂર-દૂરથી લોકો હોસ્પિટલમાં આવે છે.
એક જોડિયા બાળકો મળી એક જ દિવસે કુલ 31 તંદુરસ્ત બાળકોએ જન્મ લેતાં હોસ્પિટલના 10 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ સર્જાયો હતો. જન્મેલા 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે. આમ હોસ્પિટલમાં એક સાથે 30 પ્રસુતિમાં એક જોડિયા બાળક મળી કુલ 31 બાળકોએ જન્મ લેતાં હોસ્પિટલ બાળકોની કિલકારીથી ગુંજી ઉઠ્યું હતું.
આ એવી હોસ્પિટલ છે જ્યાં કોઈ પણ દંપતીને એક કરતાં વધુ દીકરીનો જન્મ થાય તો 1 લાખ રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે .