બોર ખાવા ગયેલ 12 વર્ષના બાળકને ઝટકા મશીનનો કરંટ લાગતા થયું મોત

આણંદ જીલ્લાના કિંખલોડના રવિપુરામાં કરંટ લાગવાથી એક બાળકના મોતની ઘટના સામે આવી છે. શાળાએથી છૂટ્યા બાદ બાળક ખેતરમાં બોર ખાવા ગયો હતો. તે સમયે બાળકને ઝટકા મશીનનો કરંટ લાગવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જેની જાણ થતા જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસને જાણ થતા તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. બોરસદમાં વીજ કરંટ લાગવાના કારણે 12 વર્ષના બાળકનું મોત થઈ ગયું છે. બાળક ખેતરમાં બોર ખાવા માટે જઈ રહ્યો હતો ત્યારે કરંટનો ભારે ઝટકો લાગતા તેનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં કોની બેદરકારીથી બાળકે જીવ ગુમાવ્યો છે તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પરિવારે માસૂમને ગુમાવતા ઘરમાં ભારે શોકનો માહોલ છે.

ખેતરમાં બોર ખાવા જતા બાળકનું મોત થયું

બોરસદના કિંખલોડ ગામમાં બાળક બોર ખાવા માટે જઈ રહ્યો હતો ત્યારે કેળની વાડીમાં લગાવેલા 24 વોલ્ટના ઝટકા મશીનથી કરંટ લાગવાના કારણે બાળકનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો સહિત ગ્રામજનો બનાવના સ્થળ પર એકઠા થઈ ગયા હતા. સાંજે જ મશીન ચાલુ કરી દીધું હતું
ગામના સીમ વિસ્તારોમાં ઊભા પાકને જાનવરોના ત્રાસથી બચાવવા માટે મોટાભાગના ખેડૂતો ખેતરની ફરતે લોખંડની તાર લગાવીને તેમાં ઝટકા મશીન મૂકતા હોય છે. સામાન્ય રીતે મશીનમાં કરંટ ડાયરેક્ટ સપ્લાય થતો હોય છે. જેને કારણે તેના સંપર્કમાં આવતા જ બાળકનું મોત થયુ હતુ. મોટાભાગના ખેડૂતો તેને રાત્રિના સમયે ચાલુ કરતા હોય છે અને વહેલી સવારે બંધ કરી દેતા હોય છે. પરંતુ આ ખેતર માલિક દ્વારા સાંજે જ ચાલુ કરી દીધું હતું.

આ ઉપરાંત મશીનમાં સાયરન પણ બગડી ગયું હતું. જેને કારણે જ્યારે બાળક મશીનના સંપર્કમાં આવ્યો ત્યારે સાયરન પણ વાગ્યું નહોતું. બાળકને કરંટ લાગતા તેનું કરુંણ મોત થયું છે, આ ઘટના અંગે જાણ થતા તેના પરિવારને માહિતી આપવામાં આવી હતી. પોતાના પરિવારના માસૂમનું મોત થતા ઘરમાં ભારે શોકનો માહોલ છે. આ ઝટકા મશીન નિયમો પ્રમાણે મૂકવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરીને આ ઘટના માટે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ઝટકા મશીનનો શું ઉપયોગ થતો હોય છે?

ખેડૂતોના ઉભા પાકને ભૂંડ, નીલગાય અને ખેતરની આસપાસના વિસ્તારમાં રખડતા પ્રાણીઓ દ્વારા નુકસાન કરવામાં આવતું હોય છે. આ નુકસાનથી બચવા માટે ખેડૂતો દ્વારા ખેતરના ફરતે પ્રાણીઓ ઉભા પાકને નુકસાન ના કરે તે માટે ઝટકા મશીન લગાવવામાં આવતું હોય છે. જેના કારણે ખેતરમાં ભૂંડ સહિતના પ્રાણીઓ ઘૂસી શકતા નથી. આ ઝટકા મશીનનો ઉપયોગ કરીને તારની વાડમાં વીજ કરંટ વહેતો કરવામાં આવતો હોય છે, જેથી પ્રાણીઓ તેને સ્પર્શ કર્યા બાદ ખેતરમાં ઘૂસવાના બદલે ત્યાંથી નાસી જતા હોય છે.