ભાવનગર (bhavnagar ): ઉત્તરાખંડમાં રવિવારે બસ ખીણમાં ખાબકી ગઇ હતી. જેમાં ગુજરાતના ભાવનગર જિલ્લાના સાત લોકોના કરૂણ મોત નીપજ્યા છે. યાત્રીઓના મૃતદેહને હેલિકોપ્ટમાં ગુજરાત લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા. જેમાંથી ભાવનગરના સાત યાત્રિકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ મૃતકોમાં પાલિતાણાના કરણજી ભાટીનો પણ સમાવેશ થાય છે. આ કરણજી ભાટી પણ યાત્રા કરવા ગયા હતા. ભાવનગરના પાલિતાણાના કરણજી ભાટીના ઘરે હાલ શોકનો માહોલ છવાયો છે. અકસ્માતમાં મરણ જનાર 29 વર્ષીય કરણજી ભાટી ત્રણ સંતાનના પિતા હતા. તેઓનું મોત થતાં બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મૃતકના કાકાએ જણાવ્યું હતું કે, પાલિતાણાથી 4 યુવકો યાત્રાએ ગયા હતા. 15મી ઓગસ્ટના રોજ 4 યુવકો યાત્રાએ ગયા હતા. ત્યાંથી આજે સરકારનો ફોન આવ્યો ત્યારે અમને અકસ્માત અંગે જાણ થઈ હતી. જેથી હાલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અમારા પરિવારના સભ્યો અત્યારે ઉત્તરાખંડ ગયા છે. આ કરૂણાંતિકાને કારણે તમામ ભાવનગર જિલ્લામાં દુખનો માહોલ છવાયો છે.