સુરત: પીપલોદમાં વલ્લભીપુરના 70 વર્ષીય બિલ્ડરે કરી આત્મહત્યા ,પોતાના લમણે ગોળી મારતા ચકચાર મચી ગયો

રતના પીપલોદ વિસ્તારમાં ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના 70 વર્ષીય બિલ્ડરે આત્મહત્યા (SUICIDE) કરી લીધી છે. અરજણભાઈ માણીયા નામના બિલ્ડરે પીપલોદમાં ચાંદની ચોક નજીક મહીમા હાઈટ ખાતે પોતાના ઘરે જ લમણે ગોળી મારી આત્મહત્યા (SUICIDE) કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો સુરતના પીપલોદ વિસ્તારમાં 70 વર્ષના બિલ્ડર અને હોટલના માલિક અરજણભાઈ માણિયા પરિવાર સાથે રહેતા હતા. બિલ્ડરને ત્રણ પુત્રો છે. અરજણભાઈ બ્લેક પેપર હોટલના માલિક અને સુરતના જાણીતા બિલ્ડરમાંના એક હતા. અરજણભાઈ છેલ્લા ઘણા સમયથી પેરાલિસિસની બીમારીથી પીડાતા હતા અને આ બીમારીથી કંટાળીને જ આજે ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મહત્વનું છે કે, બે વર્ષ અગાઉ અરજણભાઈને બ્રેઈન સ્ટોકનો એટેક આવેલો હતો. ત્યારપછીથી અરજણભાઈને બોલવા અને ચાલવાની તકલીફ થઈ ગઈ હતી. જો વાત કરવામાં આવે તો બે વર્ષથી અરજણભાઈ પથારીવશ હતા અને તેના કારણે તે ખૂબ જ માનસિક તણાવમાં રહેતા હતા.

અરજણભાઈના પુત્ર ભરતભાઈએ જણાવતા કહ્યું હતું કે, ‘મારા પિતા દ્વારા બીમારીથી કંટાળીને આ પગલું ભરવામાં આવ્યું છે. તેમની રિવોલ્વર લોકરમાં મૂકી હતી પણ આજે સવારે ગમે તેમ મેનેજ કરીને લોકરમાંથી રિવોલ્વર કાઢીને ગોળી મારીને આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવારના મોભી અરજણભાઈ દ્વારા આપઘાત કરી લેવામાં આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જો વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષથી અરજણભાઈની સેવા કરતા પુત્રોને વધુ આઘાત લાગ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી શોકની લાગણી છવાઈ ગઈ હતી.