ભાવનગર (Bhavnagar ): અકસ્માત ના કેસ મોટા શહેરોમાં છાસવારે જોવા મળે છે એવામાં હજી તો ઇસ્કોન બ્રીજ અકસ્માતે ૧૦ લોકો ભોગ લીધો છે ત્યાં એવી જ બીજી ઘટના સામે આવી છે જેમાં શીહોર તાલુકાના આંબલા ગામે રહેતા કિશનભાઇ બાલાભાઇ મકવાણા (ઉ.વ.32) પોતાનું મો.સા. (નં.GJ-04-ED-5741) આંબલા ગામે રોડની એક સાઇડ પાર્ક કરી સોનગઢ ગામેથી ભણીને ઘેર પરત આવતા તેમના દીકરા મિતની રાહે ઊભા હતા.
આ દરમ્યાન ભાવનગર –રાજકોટ રોડ પરથી પસાર થતી ગ્રે કલરની ટાટા ઇન્ડિકાના (નં. .GJ-04-AP-3828)ના ચાલકે પોતાના કબજામાં રહેલ ફોર વ્હીલને પુરઝડપે અને બેફિકરાઇપૂર્વક, માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી, કારને કિશનભાઇ સાથે ભટકાડી દીધેલ. આથી કિશનભાઇ ફંગોળાઇને વાડમા પડી ગયા હતા . ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ કિશનભાઇને 108માં સિહોર સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા . જ્યાં ફરજ પરના ડૉકટરે કિશનભાઇને મૃતક જાહેર કર્યા હતા .
બીજી તરફ અકસ્માતને અંજામ આપી, કારચાલક નાસી ગયો હતો .આ ઘટના બનતા શીહોર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. કિશનભાઇના પરિવારજનોનું રુદન ભલભલા પથ્થર હૃદયના માનવીને પણ પીગળાવી દે એવું કરુણ હતું. આ બનાવ અંગે મૃતક કિશનભાઇના કાકા ભરતભાઇ સવજીભાઇ મકવાણાએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી .