ફરાળી વાનગી: શરીરમાં આખા દિવસની સ્ટેમિના રાખવા ઘરે બનાવો આ ‘શીરો’

તમે પણ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરો છો અને કંઇક ગળ્યુ ખાવાની ઇચ્છા થઇ છે તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. આ સ્વીટ ડિશનું નામ સાંભળતા જ તમારા મોંમા પાણી આવી જશે. મોટાભાગના ગુજરાતીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. આમ, જો તમને પણ કંઇક આવી જ ઇચ્છા થઇ છે તો તમે પણ આજે ઘરે બનાવો બટાકાનો શીરો. આ શીરો તમે ઉપવાસના દિવસોમાં ખાઇ શકો છો. આ શીરો ખાવાની પણ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો બટાકાનો શીરો..

સામગ્રી

300 ગ્રામ બટાકા

1 વાટકી ખાંડ

બે મોટી ચમચી ઘી

ઇલાયચી

કાજુ

બદામ

દ્રાક્ષ

કેસર

બનાવવાની રીત

  • બટાકાનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને ધોઇને કુકરમાં બાફવા મુકી દો.
  • 4 થી 5 સીટી વગાડીને કુકર ઠંડુ પડે એટલે ચેક કરી લો કે બટાકા બફાઇ ગયા છે કે નહિં. જો બટાકા ના બફાયા હોય તો ફરીથી કુકર બંધ કરીને બેથી ત્રણ સીટી વગાડો.
  • બટાકા બરાબર બફાઇ જાય એટલે એને મેશ કરી લો.
  • બટાકા મેશ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે બટાકાના મોટા કટકા ના રહે. બટાકા તમારે બરાબર મેશ કરવાના રહેશે.
  • હવે એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.
  • ઘી ગરમ થઇ જાય એટલે મેશ કરેલા બટાકાને એમાં એડ કરો. આ શીરો બનાવતા ખાસ ધ્યાન એ રાખો કે તમારે આ શીરો ધીમા ગેસે બનાવવાનો રહેશે.
  • 5 થી 7 મિનિટ રહીને આમાં ખાંડ નાંખો અને ધીમા ગેસે થવા દો.
  • આ સમયે શીરાને સતત હળવા હાથે હલાવતા રહો.
  • ખાંડ ઓગળી જાય એટલે કેસર નાંખો.
  • કેસર નાંખીને એક વાર હલાવી લો અને પછી એમાં કતરેલી બદામ, કાજુ અને દ્રાક્ષ નાંખો.
  • ત્યારબાદ આમાં ઇલાયચીનો પાઉડર નાંખો. ઇલાયચી તમારા શીરાના ટેસ્ટમાં વધારો કરે છે.
  • તો તૈયાર છે બટાકાનો શીરો.
  • આ શીરો ખાવામાં બહુ પૌષ્ટિક હોય છે, જેમાંથી તમને આખા દિવસની સ્ટેમિના મળી રહે છે.