સુરત શહેરમાં રોજબરોજ સામે આવતી ક્રાઇમની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સગી એક માએ જ પોતાની પાંચ વર્ષની દિવ્યાંગ બાળકીને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં બનેલી આ ઘટનામાં હત્યારી માતાએ પોતાની બાળકીને રહેમી પૂર્વક મારી નાખતા પોલીસે માતાની ધરપકડ કરી છે. બાળકીના પીએમ રિપોર્ટમાં તેના પેટ અને આંતરડાના ભાગે ઇઝાના નિશાન મળી આવ્યા હતા ત્યારે ઘટનામા તપાસનો ધમધમાટ શરૂ કરતાં માતાની કરતૂત સામે આવી હતી.
સુરતના વેડ રેડ વિસ્તારમાંથી ગતરોજ પાંચ વર્ષીય દિવ્યાંગ બાળકીના મોત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી હતી અને ત્યાર બાદ તેનું મોત થયું હોવાનું જણાઈ રહ્યું હતું.
બાળકીના ગુપ્તાંગ સહિત શરીરના અન્ય ભાગો પર જે રીતે ઈજાનાં નિશાનો જોવા મળ્યાં હતાં, તેને લઈ મોડી રાત્રિ સુધી પોલીસ પણ બાળકી પર દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવી રહી હતી. એ બાદ પોલીસે બાળકીની હત્યા બાબતે ઝીણવટ ભરી તપાસ કરતાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં હતાં. ખરેખર દિવ્યાંગ બાળકી સાથે કોઈ દુષ્કર્મ થયું જ ન હતું, પણ તેની હત્યા થઈ હતી. આ હત્યા અન્ય કોઈ નહીં, પરંતુ તેની સગી માતાએ જ કરી નાખી હતી.
બાળકીની હત્યાને લઈ પીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે મોડી રાત્રિ સુધી આ ઘટનાને લઇ પોલીસ તપાસમાં જોતરાઈ હતી. બાળકીનું મોત કઈ રીતે થયું અને તેની સાથે દુષ્કર્મ થયું હોય તો કઈ રીતે અને ક્યાં એ બાબતે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી હતી.એ ઉપરાંત પરિવાર સાથે પૂછપરછ કરીને તપાસ કરવામાં આવી હતી. એમાં રાત્રે બેથી અઢી વાગે પોલીસને બાળકીના હત્યારા સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પોલીસે માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે ગતરોજ બાળકીની માતા બિલ્કિસ બાનુ સવારે શાકભાજી લેવા જવા માટે બહાર નીકળી હતી, ત્યારે તેની આ દિવ્યાંગ બાળકીને પડોશીમાં મૂકીને ગઈ હતી. દરમિયાન તે પરત આવી ત્યારે બાળકી ખૂબ જ રડી રહી હતી. ત્યારે માતા બિલ્કિસ બાનુને બાળકી પર ગુસ્સો આવ્યો હતો અને ગુસ્સામાં તેણ પોતાની માસૂમ બાળકીને પહેલા ઘરની બહાર ઓટલા ઉપર પછાડી દીધી હતી. ત્યાર બાદ ઘરમાં લઈ જઈ ફરીથી પછાડી હતી અને માર માર્યો હતો. એને કારણે બાળકીની પાંસળી તૂટી ગઈ હતી અને પેટમાં તથા શરીરે ગંભીર ઈજાઓ થવાને લીધે તેનું મોત થઈ ગયું હતું.
બાળકીના મોતને લઈ તપાસ કરી રહેલી પોલીસને તેની માતા દ્વારા જૂઠાણું કહેવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા પોલીસને અને ડોક્ટરને કહેવામાં આવ્યું હતું કે બાળકીને ખેંચ આવી હતી, જેને લઇ તે બેભાન થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. જોકે ડોક્ટર સાથે થયેલી વાતચીત અને પીએમ રિપોર્ટમાં આવેલી હકીકત મુજબ પરિવાર ખોટું બોલતો હોવાની પોલીસને શંકા ગઈ હતી. એને આધારે મોડી રાત્ર સુધી પરિવારની ઊલટતપાસ કરતાં બાળકીની માતાએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.