અમદાવાદ(Amedavad): સંબંધીના લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફર સાથે મિત્રતા કેળવવી યુવતીને ખુબ જ ભારે પડી છે. આરોપી યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યો અને પછી અનેક ફોટો પણ પાડ્યાં હતા. ત્યારબાદ આ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને આરોપીએ વારંવાર યુવતી સાથે બળજબરી થી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
તેટલું જ નહીં, યુવતીના ઓપન વીડિયો પણ મંગાવ્યાં હતા. જો કે, અંતે યુવકએ યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
મુંબઇમાં રહેતી યુવતી વર્ષ 2021માં અમદાવાદમાં તેના કોઈ સંબંધીના લગ્નમાં આવી હતી. જ્યાં તેને લગ્નમાં ફોટોગ્રાફી કરવા આવેલા યુવક સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં બંન્ને એકબીજાની સાથે વાતચીત બાદ મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બંન્ને વચ્ચે ફોનથી તથા સોશિયલ મીડિયામાં અવાર નવાર વાતચીત થતી હતી. ઓગસ્ટ 2022માં યુવતી તેની દીકરી સાથે મુંબઇથી રેલ્વે મારફતે અમદાવાદ આવી હતી. જ્યાં આરોપી તેને કાલુપુર રેલ્વે સ્ટેશન લેવા માટે આવ્યો હતો અને ત્યાંથી નવરંગપુરામાં આવેલી બાલાજી હોટલમાં લઇ ગયો હતો.
આરોપીએ યુવતીને કહ્યુ હતુ કે, હોટલમાં એક રૂમ ખાલી હોવાથી આપણે આ હોટલમાં રાત રોકાવવું પડશે. જોકે મોડી રાત થઇ ગઇ હોવાથી ફરીયાદી યુવતી યુવકની લુચ્ચી વાતોમાં આવી ગઇ હતી. રાતના એક વાગ્યાની આસપાસ આરોપી યુવક યુવતીને ટચ કરીને તેની પાસે ખેંચીને કહેવા લાગ્યો હતો કે, તું મને ખુબ જ પસંદ છે. હું તારી સાથે લગ્ન કરીશ તું જલ્દી ડિવોર્સ લઇ લે. તેમ કહીને તેની સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તે જ હાલતમાં સાથે ફોટો પણ પાડ્યાં હતાં. જો કે, યુવતીએ ફોટો ડીલીટ કરી દેવા માટે કહ્યું હતું.
તેણે ફોટો ડીલીટ કર્યાં નહોતા અને ત્યાંથી છુટા પડીને ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. બીજે દિવસે પણ આરોપીએ યુવતીને આ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી મુંબઇ જવા માટે નીકળી ગઇ હતી.
મુંબઇ પહોંચ્યા બાદ પણ આરોપી યુવક યુવતીને તેના ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેને ઓપન વીડિયો ઉતારી મોકલવા માટે દબાણ કરતો હતો. જેથી યુવતીએ આ વીડિયો પણ તેને મોકલી આપ્યો હતો. આરોપીના ધમકાવવાના કારણે યુવતી ગભરાઈ ને તેને મળવા માટે અમદાવાદ આવી હતી. ત્યારે પણ આરોપીએ જબરજસ્તીથી યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. આ સમયે આરોપીએ યુવતીને કહ્યું હતું કે ‘તું તારા પતિને છોડી દે અને હું તારી સાથે લગ્ન કરીશ.’
જેથી યુવતીએ વકીલની સલાહ લઇને છૂટાછેડાની ફાઇલ મુકવા તૈયાર હોવાની જાણ આરોપીને થતાં તેણે તરત જ યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. યુવતી તેને મળવા માટે અમદાવાદ આવી હતી. પરંતુ યુવક તેને મળ્યો નહોતો અને યુવતીની વાત માની નહોતી. આ અંગે યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવતા પોલીસએ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.