એમેઝોને 10 હજાર ફેસબુક ગ્રુપના એડમિન પર કર્યો કેસ, પૈસા લઇને ફેક રિવ્યૂ આપવા સક્રિય હતા લાખો લોકો

એમેઝોને 10,000થી વધુ ફેસબુક ગ્રૂપના એડમિનિસ્ટ્રેટર્સ વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરી છે. આ લોકો પૈસા લઇને નકલી રિવ્યૂ (Amazon Fake review) આપી રહ્યા હતા. ઇ-કોમર્સ દિગ્ગજ કંપનીએ કહ્યું કે, તે કાયદાકીય કાર્યવાહીમાં મળેલી જાણકારીનો ઉપયોગ તે લોકોની ઓળખ કરવામાં કરશે જે પૈસા લઇને નકલી રિવ્યૂ આપે છે અને પછી આ ફેક રિવ્યૂને હટાવી દેવામાં આવશે. આ ગ્રૂપ્સ અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઇટલી, સ્પેન અને જાપાનમાં એમેઝોન સ્ટોર પર ભ્રામક રિવ્યૂ કરી રહ્યા હતા.

એમેઝોનના સેલિંગ પાર્ટનર સર્વિસીઝના ઉપ પ્રમુખ ધર્મેશ મહેતાએ કહ્યું કે, અમારી ટીમ ગ્રાહકો જુએ એ પહેલા જ આ પ્રકારના લાખો શંકાસ્પદ રિવ્યૂને હટાવે છે અને આ કેસ સોશિયલ મીડિયા પર સક્રિય ગુનેગારોને ચેતવણી આપવા માટેનું એક પગલું છે. આ ઠગોને ટાર્ગેટ કરતી સક્રિય કાયદાકીય કાર્યવાહી તે લોકોને જવાબદાર ઠેરવીને ગ્રાહકોની રક્ષા કરવાની પ્રક્રિયાનો એક હિસ્સો છે.

ગ્રુપ એડમિને ઓળખ છુપાવી

આવા ગ્રૂપ્સની પાછળ ઠગો અનેક પ્રોડક્ટ્સ માટે નકલી રિવ્યૂની માંગ કરે છે જેમાં કાર સ્ટીરિયો અને કેમેરા ટ્રાઇપોડ સામેલ છે. કેસમાં ઓળખ કરવામાં આવેલા ગ્રૂપ્સમાંથી એક એમેઝોન પ્રોડક્ટ રિવ્યૂ છે, જેના 43,000થી વધુ સભ્યો છે. એમેઝોનની તપાસથી જાણવા મળે છે કે, ગ્રૂપ એડમિને આ ઠગોની ગતિવિધિઓને છૂપાવી અને ફેસબુક પર તેની ઓળખ ઉજાગર કરતા રોકી હતી.

કંપની સમયાંતરે કરે છે કાર્યવાહી

કંપનીએ જણાવ્યું હતું કે, કંપની ફેક રિવ્યૂ પર સખ્તાઇથી રોક લગાવી રહી છે અને દુનિયાભરમાં તેના 12000થી વધુ કર્મચારીઓ છે, જે ફેક રિવ્યૂ સહિત પોતાના સ્ટોરને છેતરપિંડી અને દૂરુપયોગથી બચાવવા માટે સમર્પિત છે. 2020થી એમેઝોને મેટાને 10,000થી વધુ નકલી રિવ્યૂ ગ્રૂપ્સની સૂચના આપી હતી. તેમાંથી મેટાએ નીતિ ઉલ્લંઘન માટે અડધાથી વધુ ગ્રૂપને દૂર કર્યા હતા અને બીજાની તપાસ ચાલી રહી છે.