ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ઇગ્લેન્ડના દર્શકો પણ જોવે છે રાહ, તમામ ટિકિટો ખરીદી

દિલ્હીઃ બર્મિંગહામમાં 28 જુલાઈથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સની 1.2 મિલિયન ટિકિટો વેચાઈ છે અને આયોજકોનું કહેવું છે કે સ્થાનિક લોકો ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની મેચમાં ખૂબ જ રસ લઈ રહ્યા છે. મહિલા ક્રિકેટ કોમનવેલ્થ ગેમ્સમાં પદાર્પણ કરવા જઈ રહી છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 જુલાઈના રોજ મેચ રમાશે.

બર્મિંગહામમાં ભારતીય અને પાકિસ્તાની મૂળના ઘણા લોકો રહે છે. બર્મિંગહામ ગેમ્સના સીઈઓ ઈયાન રીડે પીટીઆઈને જણાવ્યું કે સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટો વેચાઈ ગઈ છે અને ભારત અને પાકિસ્તાનની મેચો માટે પણ સ્ટેડિયમ ભરાઈ જશે તેવી અપેક્ષા છે.

તેમણે કહ્યું, “હું પોતે ક્રિકેટનો ચાહક છું. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેથી અહીંના લોકોને તે મેચમાં ખૂબ જ રસ છે. ભારતીય પુરુષ ટીમ હાલમાં જ અહીં રમવા ગઈ છે અને હવે આ મેચ આકર્ષણનું કેન્દ્ર બનશે.

તેમણે કહ્યું, “સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટો વેચાઈ ગઈ છે. આશા છે કે ભારત અને ઈંગ્લેન્ડ તેમાં રમશે. ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટો પણ લગભગ વેચાઈ ગઈ છે.” લંડન ઓલિમ્પિક્સ 2012 પછી ઈંગ્લેન્ડમાં સૌથી મોટી રમતગમતની ઈવેન્ટમાં 72 કોમનવેલ્થ દેશોના 5000 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ બર્મિંગહામ ખાતે ચાલુ મહિને યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં સારો દેખાવ કરવા માટે તૈયાર છે. ગેમ્સ માટે બીસીસીઆઇએ 15 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. કોમનવેલ્થ ગેમ્સમાં વિમેન્સ ટી20 ક્રિકેટને પ્રથમ વખત સ્થાન મળ્યું છે. ભારતીય ટીમ પોતાના પ્રથમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે 29મી જુલાઇ રમશે અને ત્યારબાદ 31મી જુલાઇએ પરંપરાગત હરીફ પાકિસ્તાન અને ત્રીજી ઓગસ્ટે બાર્બાડોસ સામે રમશે. આઠ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે અને ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમિફાઇનલ છઠ્ઠી ઓગસ્ટે અને ગોલ્ડ તથા બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલા સાતમી ઓગસ્ટે રમાશે. આ તમામ મેચો એજબેસ્ટન ખાતે રમાશે.