જામનગર જિલ્લાના ધ્રોલથી વાયવ્ય ખૂણામાં આશરે એક માઈલ પર આવેલી ભૂચર મોરી નામની ધાર પર સાડા ચારસો વર્ષ પહેલા જામનગરના રાજવી જામસતાજી અને અકબરના સૈન્ય વચ્ચે ખેલાયેલું યુધ્ધ દેશના સર્વકાલિન મહાન યુધ્ધોમાં સ્થાન પામી ચૂક્યું છે. આશરે 431 વર્ષ પહેલાં ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાળ જંગ. ભુચર મોરીનું યુદ્ધ નવાનગર રજવાડાંની આગેવાની હેઠળ કાઠિવાવાડની સેના અને મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય વચ્ચે લડાયું હતું. રાજ ધર્મ અને આસરા ધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજી અકબર બાદશાહ સામે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ રણ સંગ્રામમાં જામનગરના કુંવર અજાજી પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી. આ યુદ્ધ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝ્ઝફર શાહ ત્રીજાને બચાવવા માટે હતું જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઇને નવાનગર રજવાડાના જામ સતાજીનું શરણ લીધું હતું. કાઠિયાવાડનું સૈન્ય જૂનાગઢ અને કુંડલા રજવાડાના સૈન્યનો સમાવેશ કરતું હતું. પરંતુ, આ બન્ને રાજ્યો છેલ્લી ઘડીએ દગો દઇને મુઘલ પક્ષમાં જોડાઇ ગયા હતા. જામનગરના રાજવી હીરો બને એ એમને પસંદ નહોતું. બન્નેએ દગો કર્યો, ખાનગીમાં બાદશાહ સાથે મળી ગયા. એ તકનો લાભ લઇ બાદશાહે મંત્રણા ફોક કરી. ફરી યુધ્ધ જામ્યું. બાદશાહના વિશાળ મોગલ સૈન્ય સામે ક્ષત્રિય નરબંકાઓએ અદ્દભુત શૌર્ય દાખવ્યું. મોગલ સૈનિકોના માથાં ધડાધડ પડવા લાગ્યા. મોગલ સેનામાં ભંગાણ પડ્યું. પણ, ત્યારે ટાંકણે જ દોલતખાન અને કાઠી ખુમાણે પાટલી બદલી. દગો થયો. પણ, રણબંકાઓએ ભૂચર મોરીની ધરાને મોગલોના રક્તથી રંગી નાખી.બરાબર એ જ સમયે જામનગરના પાટવી કુંવર અજાજીના લગ્ન હતા. એ મરદ મિંઢોળબંધો રણશૂરો 500 જાનૈયાઓને લઇને લગ્નમંડપમાંથી સીધો રણમેદાનમાં પહોંચ્યો. મોગલોના માથાં વાઢતા-વાઢતા કુંવર શહીદ થયા. કુંવર અજાજી શહીદ થતાં તેમના રાણી યુધ્ધમેદાનમાં પહોંચ્યા. કુંવરનું માથું ખોળામાં રાખી સતી થયા. એ દિવસ હતો વિક્રમ સંવત 1648ની શ્રાવદ વદ-સાતમનો. ઇતિહાસના પાને અમરત્વ પામનાર એ મહાન યુધ્ધનો તે દિવસે અંત આવ્યો. દર વર્ષે દિવસે રાજપૂત સમાજ દ્વારા ભૂચર મોરી મેદાનમાં એ મહાન શહીદોને ભવ્ય શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. આ વર્ષે તા.૧૮ ઓગસ્ટ નાં રોજ ભૂચરમોરી ખાતે ૩૧ મો ભૂચરમોરી શ્રધ્ધાંજલી સમારોહ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ૫૦૦૦ રાજપૂત યુવાઓએ ૧૧ મિનિટ સુધી તલવારબાજી કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ડો. જયેન્દ્રસિંહ જાડેજાની મહેનતના કારણે એક નવા સુંદર સ્મારકનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ભૂમિપૂજન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઈ. સ. ૨૦૦૭માં ૩જી સપ્ટેમ્બરના રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લગભગ ૮ કરોડના ખર્ચે એક વિશાળ શહીદ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને જામ અજાજીની સુંદર પ્રતિમા મુકવામાં આવી છે.