સમગ્ર ભારતમાં હાડ થીજાવતી ઠંડીનો ચમકારો, જાણો ઉત્તરાયણે કેવી રહેશે ઠંડી?

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.હાડ થીજાવતી ઠંડીના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.લોકો વહેલી સવારે અને રાત્રી દરમિયાન કામ વિના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.કડકડતી ઠંડીમાં લોકો ગરમ વસ્ત્રો સાથે નજર પડી રહ્યા છે. ક્યાંક તાપણાં કરતા તો ક્યાંક ચાની ચુસ્કી લઈને લોકો ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી ઠંડીના ચમકારામાં વધારો થતા હવે કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. જો કે હજુ પણ ઠંડીના ચમકારામાં વધારો થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. જે રીતે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે તેને જોતા રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ આગામી દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ સવારે અને સાંજ પછીના સમયમાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

આવામાં, ઉત્તરાયણ નજીક આવે ત્યારે ફરી એકવાર ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરી રાખી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત ઠંડીમાં ઠુઠવાયું છે. સુરતમાં છેલ્લા 8 વર્ષ નો રેકોર્ડ તૂટ્યો છે. સુરતમાં તાપમાન નો પારો 11.02 ડીગ્રી સુધી ગગડયો છે. સુરતમાં ભર બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. ઠંડીની સાથે પવન ફૂંકાતા લોકો ને ભરબપોરે સ્વેટર પહેરવાની ફરજ પડી છે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે. આગામી દિવસોમાં પવનની ગતિ પણ તેજ રહેશે. મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

તેની સાથે રાજ્યમાં ઉત્તરીય પવનોને લીધે રાજ્યભરમાં ઠંડી વધશે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તરોમાં 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર લઘુતમ તાપમાન 8 ડિગ્રી સાથે ઠંડુગાર છે. વડોદરા લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું છે. ભાવનગર 13 ડિગ્રી સાથે ઠંડુંગાર છે. પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવનારા ત્રણ દિવસ દરમિયાન ધૂમ્મસ છવાયેલું રહેશે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર અને મિઝોરમના લોકોએ પણ આગામી 2 દિવસ સુધી ધૂમ્મસનો સામનો કરવો પડશે. આ તરફ ઓડિશા અને છત્તીસગઢમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે.