ચેતી જજો વાલીઓ :આનંદ મેળામાં શોક લાગતા માતાની નજર સામે જ પુત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

ભાવનગર (Bhavnagar):બોટાદમાં એક હદય થંભી જાય એવી ઘટના સામે આવી છે .બોટાદ ખાતે આનંદ મેળામાં ચકડોળમાં બેસી બાળક ઉતરવા જતા બાજુમાં રહેલા પોલને અડી જતા બાળકને ઇલે. શોક લાગતા માતાની નજર સામે જ પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થતાં સહુ કોઇના હદય થંભી ગયા હતા.

બોટાદના પાળિયાદ રોડ પર આવેલ તુલશી સોસાયટીમાં રહેતા જલ્પાબેન હિરાણી તથા તેના માતા અને બેન તેના બાળકોને આનંદ મેળામાં આનંદ કરવા લઇ ગયા હતા. ત્યારે વંશ તથા અન્ય બાળકો પણ ચકડોળમાં બેઠા બાદ ચકડોળમાંથી ઉતરતી વેળાએ વંશ હિરાણી (ઉ.વ.10) બાજુમાં આવેલ વિજ પોલને અડી જતા વંશને ઇલે. શોક લાગતા માતા જલ્પાબેનની નજર સામે જ પુત્ર વંશનું કરૂણ મોત નિપજતા ભારે લાગણી ભર્યા દૃશ્યો સર્જાયા હતા.

બોટાદમાં આવેલ આનંદ મેળાએ બીજા બાળકનો ભોગ લીધો હતો.. જો કે, આનંદ મેળામાં ચાર વર્ષમાં બીજી ઘટના બનવા પામી હતી ત્યારે આનંદ મેળાના સંચાલક સામે ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી. અગાઉ પણ મોતના કુવામાં જોવા ગયેલી માત્ર 11 માસની દિકરીનું મોતના કુવામાં પડી જતા મોત નિપજ્યું હતું. મૃતક વંશ ભાઈ-બહેનમાં સૌથી મોટોભાઈ હોઈ જેમાં પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

જો કે, બોટાદમાં આવેલ આનંદ મેળામાં ચાર વર્ષમાં બીજા બાળકનું મૃત્યું નિપજતાં આનંદ મેળાના સંચાલક વિરુદ્ધ ભારે રોષની લાગણી તેમજ મેળો તત્કાલ બંધ કરવવા માટે પણ લોક માંગ ઉઠવા પામી હતી.