ભાવનગર:ગુજરાતના DySP જે પહેલાં મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા,તેના દીકરાની કેનેડામાં ગુમ થયા બાદ લાશ મળી

ભાવનગર(Bhavanagar):વિદેશ માં અવાર નવાર ગુજરાતીઓને મારી નાખવાના કિસ્સા સામે આવતા હોય છે,તેમ છતાં આજે આપણા દેશમાં વિદેશ જવા માટે લોકોનો ક્રેજ વધતો જાય છે.ગુજરાત રાજ્યનાં રહેવાસી એક યુવક નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વિદેશથી ફરી માઠા સમાચાર આવ્યા છે. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવી છે. ટોરોન્ટોમાં રહેતા ગુજરાતના DySPના દીકરાની લાશ મળી આવી છે. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા DySPનો દીકરો સાત દિવસ પહેલાં ગુમ થયો હતો.

મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડાચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો, જે ગત તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. આ અંગે મિત્રોએ પરિવારને જાણ કરી તેમ જ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એના બીજા દિવસે કેનેડા પોલીસને તેને લાશ મળી આવી હતી.

આયુષના કાકા નારણભાઇ ડાંખરાએ કહ્યું, ‘મૃતક આયુષ રમેશભાઈ ડાંખરા 23 વર્ષનો હતો. તેના પરિવારમાં એક નાનો ભાઈ અને માતા-પિતા છે. નાનો ભાઈ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે, જ્યારે તેના પિતા રમેશભાઈ પાલનપુર ખાતે DySP તરીકે ફરજ બજાવે છે.

આયુષ ગઈ 5 તારીખે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ દોઢ દિવસ સુધી ઘરે પાછો નહોતો ફર્યો ત્યારે તેના મિત્રોએ આયુષના પિતા રમેશભાઈને ફોન કર્યો કે આયુષ દોઢ દિવસથી ઘરે નથી આવ્યો.અને ફોન રિસીવ નથી કરતો. ત્યારે રમેશભાઈએ તેમને પોલીસમાં મિસિંગ રિપોર્ટ લખાવી દેવાનું કહ્યું હતું.

આયુષના મોતનું કારણ વગેરે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ સાથે ત્યાં વાત થઈ છે. તે લોકો રિપોર્ટ તપાસી રહ્યા છે, CCTV ફૂટેજ વગેરે ચેક કરી રહ્યા છે. તેનાં લોકેશન પણ તપાસી રહ્યા છે, જેથી ખબર પડે કે આયુષ ક્યાંથી કયાં ગયો હતો.

CMO અને PMOની પણ આ બાબતે મદદ લેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને વાત કરી તો તેમણે પણ ફોલોઅપ લીધું હતું. કેનેડામાં BAPS સંસ્થાને પણ વાત કરી હતી. કેનેડામાં આપણા ગુજરાતી સમાજના લોકોએ પણ મદદ કરી હતી, જેના કારણે ઝડપથી આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી અને આપણને ઝડપથી ડેડબોડી મળી ગઈ. કેનેડા પોલીસ ઉપરાંત ગુજરાત અને ભારત સરકારનો પણ સપોર્ટ મળ્યો હતો. રવિવારે અમદાવાદ એરપોર્ટ પર ડેડબોડી લાવવામાં આવશે.

આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2001થી 2014 સુધી તેમની સિક્યૉરિટીમાં હતા.