ગુજરાતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા

ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે ગુજરાતના સુરત જિલ્લામાં 3.8 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા બાદ ગુજરાતના સુરત શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે ગુજરાતના સુરત જિલ્લામાં 3.8 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ સવારે 12:52 કલાકે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ સુરતથી લગભગ 27 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW) ના અંતરે હતું, એમ તેમણે જણાવ્યું હતું.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપ 5.2 કિમીની ઊંડાઈએ નોંધવામાં આવ્યો હતો અને તેનું કેન્દ્ર જિલ્લાના હજીરા નજીક અરબી સમુદ્રમાં હતું. આંચકાના કારણે જાનમાલને કોઈ નુકસાન થયું નથી. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અનુસાર, રાજ્યમાં ધરતીકંપનું જોખમ ઊંચું છે અને તેણે 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને 2001માં મોટી ઘટનાઓ જોઈ છે. 2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો, જેમાં 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ ઘાયલ થયા હતા. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં 8 વાર ધરા ધ્રુજી છે. જેમા સૌથી વધુ આજે 11 ફેબ્રુઆરીએ ભચાઉ નજીક દૂધઈમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. હજુ એક દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0ની નોંધાઈ હતી. આ ભૂકંપને કારણે લોકોમાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને તેમના મનમાં 26 જાન્યુઆરીના એ ગોજારા ભૂકંપની યાદો તાજી થઈ જાય છે.

આ અગાઉ 6 ફેબ્રુઆરીએ અમરેલીના મિતિયાળામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એ પહેલા 4 ફેબ્રુઆરીએ પણ અમરેલીના મિતિયાળામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્ય હતો. એજ દિવસે ગોંડલમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 2 ફેબ્રુઆરીએ પણ અમરેલીમા 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ પણ મિતિયાળા આસપાસ નોંધાયુ હતુ.