અમદાવાદ (Amdavad ):અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર ગોઝારા અકસ્માતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ વ્યક્તિઓના મોત થયાં હતાં. જેમાં પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમારનો પણ સમાવેશ થાય છે. ધર્મેન્દ્રસિંહ પરમાર મુળ ચુડા ગામના વતની છે અને હાલ અમદાવાદ પોલીસમાં હાલ ફરજ બજાવતા હતા.
રાત્રીના સમયે થયેલા આ ગોઝારા અકસ્માત સમયે ધર્મેન્દ્રસિંહ ફરજ પર હાજર હતા. જેથી તેઓ સ્થળ પર દોડી ગયાં હતા અને પંચનામા સહિતની કામગીરી કરી રહ્યાં હતાં. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે અડફેટે લેતા ધર્મેન્દ્રસિંહ સહીત 9 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યાં હતાં, ત્યારે મૃતક પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ પરમારના પરિવારજનોએ આ અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેના પિતા બન્નેને ફાંસીની સજા આપવા માંગ કરી હતી.ધર્મેન્દ્રસિંહનું મોત થતાં તેમના પાર્થિવ દેહને વતન ચુડા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.
મૃતક ધર્મેન્દ્રસિંહ અંદાજે પાંચ વર્ષ પહેલા પોલીસમાં જોડાયા હતાં અને તેઓ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન હતાં.ધર્મેન્દ્રસિંહના લગ્ન બોટાદ ખાતે થયાં હતા અને હાલ તેમને સંતાનમાં એક દોઢ વર્ષની દીકરી છે. કાળમુખી કારે પરમાર પરિવારનો આધાર છીનવી લેતા સમગ્ર પરિવારમાં કારચાલક સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણમાં ગમગીની વ્યાપી ગઇ હતી .સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય જાહેર કરી છે પરંતુ વૃદ્ધ માતા-પિતાનો એકનો એક આધાર અને જે દોઢ વર્ષની દીકરી હજી માંડ પિતાને ઓળખતા શીખી છે. તે દીકરીના માથા પરથી પિતાની છત્રછાયા છીનવી લેનાર કારચાલક અને તેના પિતાને ફાંસીની સજા કરવામાં આવે તેવી એક માત્ર માંગ પરિવારજનોની છે.