ફરાળી વીક: આ રીતે ઘરે બનાવો ‘બટાકાનો ચેવડો’, બહાર જેવો ક્રિસ્પી બનશે

શ્રાવણ મહિનામાં ઉપવાસના દિવસે તમે પણ બહારથી ફરાળી ચેવડો લાવીને ખાઓ છો તો હવેથી તમે બંધ કરી દેજો. આજે અમે તમને ઘરે બટાકાનો ફરાળી ચેવડો બનાવતા શીખવાડીશું. બટાકાનો ફરાળી ચેવડો તમે આ રીતે ઘરે બનાવશો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને તમે ક્યારે પણ બહારથી લાવશો નહિં. તો નોંધી લો જલદી આ રીત અને તમે પણ ઘરે બનાવો ફરાળી ચેવડો.

સામગ્રી

3 થી 4 નંગ બટાકા

ઝીણાં સમારેલા મરચા

દળેલી ખાંડ

સ્વાદાનુંસાર સિંધાલું મીઠું

તેલ

સિંગદાણા

ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ, દ્રાક્ષ)

લાલ મરચું

બનાવવાની રીત

  • બટાકાનો ફરાળી ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને ધોઇને એને છીણી લો.
  • હવે એક બાઉલ લો અને એમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી લો.
  • આ પાણીમાં બટાકાની છીણ નાંખો.
  • આ બટાકાની છીણને પાણીમાં 10 મિનિટ માટે રહેવા દો.
  • ત્યારબાદ આ છીણને કાણાંવાળા કોઇ વાસણમાં મુકો અને પછી કોરી કરવા માટે પેપર નેપકીનમાં લઇ લો. આમ કરવાથી બધુ પાણી ચુસાઇ જશે.
  • એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે બટાકાની છીણ નાંખો અને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો.
  • ત્યારબાદ આ તળેલી છીણને એક પ્લેટમાં લઇ લો.
  • પ્લેટમાં કાઢ્યા પછી છીણને 2 મિનિટ રહીને એબ્સોબેન્ટ પેપર પર લઇ લો જેથી કરીને છીણમાં બહુ તેલ ના લાગે.
  • હવે આ તેલમાં સિંગદાણા અને મરચા તળી લો અને એને એક પ્લેટમાં લઇ લો.
  • ત્યારબાદ આ તેલમાં દ્રાક્ષ, બદામ અને કાજુ પણ ફ્રાય કરી લો.
  • હવે એક મોટા વાસણમાં છીણ, ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ્સ, સિંગદાણા, લીલા મરચાં, સિંધાલું મીઠું અને દળેલી ખાંડ નાંખો.
  • આ બધો મસાલો કર્યા પછી બરાબર મિક્સ કરી લો.
  • તો તૈયાર છે બટાકાનો ફરાળી ચેવડો.
  • આ ચેવડામાં તમે લાલ મરચુ પણ નાંખી શકો છો.
  • લાલ મરચુ નાખવાથી ટેસ્ટ અલગ આવે છે અને ચેવડાનો કલર પણ સારો આવે છે.