આખરે 72 દિવસ બાદ દેવાયત ખવડ આવ્યો જેલ બહાર, 6 મહિના સુધી રાજકોટમાં નહીં પ્રવેશી શકે

લોક સાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે. ત્યારે આજે દેવાયત ખવડ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દેવાયત ખવડના જામીન હાઇકોર્ટ મંજુર કર્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર થયા છે. રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ કેટલાંય દિવસોથી ફરાર હતા. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી હતી.

PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી હતી.રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ થોડા દિવસો બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો. આ કેસની હકીકત મુજબ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો. તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો.

બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટ્યા હતા. જે ગુનામાં તપાસના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી પણ રદ થતા દેવાયત ખવડે હાઇકોર્ટમાં જામીન મુક્ત થવા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા હાઇકોર્ટે બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલની દલીલો ગ્રાહ્ય રાખી દેવાયત ખવડને ખૂની હુમલાના ગુનામાં 72 દિવસના જેલવાસ બાદ 6 માસ સુધી રાજકોટમાં નહીં પ્રવેશવાની શરતે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.