સુરતમાં મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન મળી આવી ઐતિહાસિક તોપ

સુરત શહેરનો ઇતિહાસ ખૂબ જ વૈભવી રહ્યો છે. મોગલ કાળની અનેક ચીજ વસ્તુઓ આજે પણ સુરતના ઐતિહાસિક કિલ્લામાં જોવા મળે છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન આજે ચોક બજારથી કોર્પોરેશન તરફ જતા વચ્ચે આવતા પેટ્રોલ પંપ પાસેથી ઐતિહાસિક ટોપ મળી આવી છે.

તોપની માહિતી હેરિટેજ વિભાગને આપવામાં આવી

મેયર હેમાલી બોઘાવાલા જણાવ્યું કે, મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન નીચેથી ત્રણ ઐતિહાસિક ટોપ મળી આવ્યા હોવાની માહિતી મળતા જ હું પોતે સ્થળ પર નિરીક્ષણ કરવા માટે પહોંચી હતી. આ બાબતે હેરિટેજ વિભાગ અને ટીમને જાણ કરી દેવામાં આવી છે. આજે ત્રણ તોપ મળી છે. તેનો ઇતિહાસ જાણી માહિતી એકત્રિત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. ચોક બજાર વિસ્તારમાં સમયાંતરે આ પ્રકારની ઐતિહાસિક વસ્તુઓ મળતી રહે છે જે સુરતના ભવ્ય ઇતિહાસને છતી કરે છે.

ભારે વજન છે તોપમાં

સુરતના ચોક બજાર વિસ્તારમાંથી આજે બુધવારે ખોદકામ દરમિયાન ત્રણ જેટલી ઐતિહાસિક તોપ મળી આવી હતી. જોકે હજુ ખોદકામમાં બીજું શું શું મળી શકે છે તે પ્રશ્નો પણ ઊભા થયા છે. કારણ કે અહીં ઐતિહાસિક ધરોહર પણ ક્યાંકને ક્યાંક વિકાસના નીચે દટાઈને ન રહે તેવું પણ તંત્ર ઈચ્છી રહ્યું છે. આ તોપ મળ્યાની જાણકારી મળતા જ સુરતના મેયર સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે અહીં તોપનું વજન કેટલું હશે તેનો અંદાજ લગાવવા તોપ ઊંચી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના એકલાથી તે તોપ ખસકે તેમ પણ ન હતી કારણ કે તેનું વજન જ એટલું હતું. હાલ આ તોપ અંગે વિવિધ જાણકારીઓ મેળવવામાં તંત્ર લાગ્યું છે. ત્રણે તોપોને હાલ કિલ્લામાં લઈ જવામાં આવી છે.

તોપને હાલ કિલ્લામાં લઇ જવાય

સુરતના ચોક બજાર વિસ્તારની અંદર અનેક એવી ઐતિહાસિક ચીજ વસ્તુઓ સમયાંતરે મળી રહે છે. ખાસ કરીને કિલ્લાને રીનોવેશન કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમય પણ અનેક ઐતિહાસિક વસ્તુઓ ખોદકામ દરમિયાન મળી આવી હતી. ચોક બજાર વિસ્તારમાં જ મેટ્રો લાઇનની કામગીરી ચાલી રહી છે તેના કારણે અલગ અલગ જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ચોક બજારથી પેટ્રોલ પંપ પાસે ખોદકામ દરમિયાન ત્રણ તોપ મળી આવી છે. આ બાબતની જાણ થતા જ ત્રણે તોપોને હાલ કિલ્લામાં લઈ જવામાં આવી છે.