ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મચ્યો ખળભળાટ

Rajkot Corona Updates ગૌરવ દવે/રાજકોટ : ડિસેમ્બર મહિનો ત્રણ વર્ષ પહેલાના દિવસો યાદ કરાવી રહ્યાં છે. જ્યારે ચીનથી કોરોનાની શરૂઆત થઈ હતી. ભારતમાં કોરોના ફેલાયો હતો. ધીરે ધીરે કેસ વધતા ગયા. બાદમાં વિદેશથી આવેલા લોકો સુપરસ્પ્રેડર બન્યા હતા. ત્યારે હવે ડિસેમ્બરમાં અનેક વિદેશીઓ વતન પરત ફર્યા છે. આવામાં ફરી કોરોના ફેલાઈ રહ્યો છે. રાજકોટમાં વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. વોર્ડ નંબર સાતમાં આવેલા જાગનાથ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે. અને સતર્કતાના પગલા લેવાની શરૂઆત કરાઈ છે.

રાજકોટ-કોવિડની એલર્ટની સંભાવનાના પગલે સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલ 100 બેડની હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. 100 પૈકી 64 આઇસીયુ બેડ અને બાકીના ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. ઓક્સિજન અને દવાનો જથ્થાની સમીક્ષા કરાઇ હતી. તબીબ, નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. જોકે, હાલમાં સિવીલ હોસ્પિટલમાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી.

કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.દિલીપ માવળંકરે જણાવ્યું કે, ઓમિક્રોનનો નવો વેરિએન્ટ હોય તેવુ લાગે છે. આ વેરિએન્ટ કેટલો ઘાતક તેના આંકડા નથી. સોશિયલ મીડિયામાં ચીનના વીડિયો વાયરલ થયા છે. જે ખરાબ સ્થિતિ દર્શાવે છે, તે હકીકત સામે નથી આવી. બુસ્ટર ડોઝ અંગે સરકારે સમીક્ષા કરી ભાર મૂકવો જોઈએ. વિદેશથી આવતાનો ટેસ્ટ ફરજિયાત કરવો જોઈએ. 1 મહિનાના કેસ, હોસ્પિટલમાં દાખલ વ્યક્તિની તપાસ કરો. ચીન અને આસપાસના દેશથી પ્રવાસીઓ પર નજર રાખવી જોઈએ. લોકોએ ભીડવાળી જગ્યાએ જતા ચેતવુ દોઈએ. કોરોનાના પ્રોટોકોલનું તમામ લોકોએ પાલન કરવુ જોઈએ.

વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજકોટ કોર્પોરેશને કોવિશિલ્ડ રસીની માંગણી કરી છે. રાજકોટમાં કો-વેક્સિનની જગ્યાએ, કોવિશિલ્ડ વેક્સીનનો વધુ ઉપયોગ કરાયો છે. લાખો લોકોના પ્રિકોશન ડોઝ હજી બાકી છે. હાલ રાજકોટ કોર્પોરેશન પાસે કોવિશિલ્ડનો જથ્થો નથી. રાજકોટ પ્રિકોશન ડોઝની કામગીરી 23 ટકા પૂર્ણ થઈ છે. 9 લાખ કરતા વધુ લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ બાકી છે.

BF.7ના નવા વેરિયન્ટને લઇને તપાસ કરવામાં આવશે તો આ તરફ કોરોનાની સંભવિત નવી લહેરને પહોંચી વળવા જિલ્લા તંત્ર પણ સજ્જ થયું છે. રાજકોટના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઑક્સિજનથી સજ્જ 45 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જમ્બો ઑક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયો છે. દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે ઇન્જેક્શન અને દવાનો પૂરતો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો છે.