બાપનું કેવું તે નિર્દય હદય,સુરતમાં ટી-સ્ટોલ પાસે બાપે દોઢ વર્ષની માસૂમ દીકરીને સુવડાવી પછી તરછોડીને ફરાર થઇ ગયો.

સુરત(surat):આ જમાનામાં નારીનાં મહાન હોવાના સુવિચાર લખવામાં આવે છે,પરંતુ દીકરી આજે પણ કોઈને ગમતી નથી,દીકરી કરતા દીકરાને વધારે મહત્વ આપવામાં આવે છે.આવો જ એક કિસ્સો સુરત માં સામે આવ્યો છે,એવા પણ નિષ્ઠુર બાપ છે જે જોઇને તમે ચોકી જશો.

સુરતમાં વરાછા ખાંડ બજાર ગાયત્રી ચાની દુકાનની બાજુમાં ઓટલા ઉપર દોઢ વર્ષની માસૂમ બાળા ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી હતી. બાળકીને તરછોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં પિતા બાળકીને લઈને આવે છે તેને ચાદર પાથરી સુવડાવી અને બાળકી સૂઈ ગયા બાદ છોડીને જતો રહે છે.

કતારગામ વેડ રોડ બહુચર નગર સોસાયટીમાં રહેતા અને 108માં ઈમટી તરીકે ફરજ બજાવતા કેતન રમેશ બાબરીયા વહેલી સવારે વરાછા ખાંડ બજાર ગરનાળા હોટેલ હોસ્પાઇસની સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગાયત્રી ચાની દુકાનની બાજુમાં આવેલા ઓટલા ઉપર એક બિનવારસી હાલતમાં પડેલી માસૂમ બાળકી ઉપર કેતન બાબરીયાની નજર પડી હતી.કેતન બાબરીયાએ આજુબાજુ તેના માતા-પિતાને શોધ્યા હતા. પરંતુ કોઈ પણ દેખાયા ન હતા, જેની વરાછા પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી હતી. વરાછા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાળકીનો કબજો મેળવી તેણીને અનુકૂળ સ્થળે ખસેડી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેના માતા પિતાની શોધખોળ કરી હતી. પરંતુ તેઓની કોઈ ભાળ મળી ન હતી. અંતે તેણીના માતા-પિતા બાળકીને ત્યજી દઈ નાસી છૂટ્યા હોવાની પોલીસને શક્યતા લાગી હતી. પોલીસે માસૂમ બાળકીના માતા-પિતા સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ ગાબાણીએ જણાવ્યું હતું કે, સીસીટીવી આધારે તપાસ કરી છે. સીસીટીવીમાં રાત્રે પિતા બાળકી સાથે આવે છે. ત્યારબાદ બાળકીને ચાદર પાથરી સુવડાવી છે. બાળકી સૂઈ ગયા બાદ પિતા આજુબાજુમાં જુએ છે અને બાળકીને સૂતેલી હાલતમાં જ તરછોડીને જતો રહે છે. હજુ સુધી બાળકીના વાલીવારસની કોઈ ભાળ મળી નથી. આસપાસના તમામ સીસીટીવી ચેક કર્યા છે. તપાસ ચાલી રહી છે.