રાજકોટ(Rajkot):રાજ્યમાં આજ કાલ આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ રાજકોટમાં એક દંપતીના આપઘાતનો બનાવ સામે આવી રહ્યો છે,શહેરના કુવાડવા રોડ પર મારૂતિનગર-2માં રહેતા 50 વર્ષના શૈલેષ બાબુભાઈ ચૌહાણ અને તેના 40 વર્ષના પત્ની કિરણબેનએ ગઈકાલે ઘરે આત્મહત્યા કરી લીધી હતી.
શૈલેષભાઈને ચોથા સ્ટેજનું કેન્સર હતું. જેનાથી કંટાળી તેઓએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેની જાણ થતાં તેની પત્ની કિરણબેને પણ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારજનોમાં ખુબ જ શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
શૈલેષભાઈને ભાગીદારીમાં ગેસના બાટલાની મોટી એજન્સી હતી. તેઓને કેન્સર થતાં તેણે કામ બંધ કરી દીધું હતું. તેઓ ચોથા સ્ટેજના કેન્સરથી ખુબ જ પીડિત હતા, જેના કારણે આખા શરીરમાં ખૂબ જ દુખાવો રહેતો હતો તેમજ તેઓ બેસી કે જમી શકતા ન હોવાથી અંતે કંટાળી ગઈકાલે સાંજે તેણે પોતાના જ મકાનનાં ગ્રાઉન્ડ ફલોર પર પાર્કિગમાં આવેલા રૂમમાં ઝેરી દવા પી લીધી હતી.
પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યાની જાણ તેના પત્ની કિરણબેનને થતાં તેઓએ મકાનના બીજા માળે આવેલા રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
એકની એક 22 વર્ષની પુત્રી બંસરી કોઈ કામ હોવાથી બહાર ગયેલી હતી ,5 વાગ્યાની આસપાસ ઘરે આવતાં તેના પિતા ઉલ્ટી કરેલી હાલતમાં બેભાન જોવા મળ્યા હતા, અને ઉપરના રૂમમાં જોયું તો તેની માતા લટકેલી હાલતમાં જોવા મળતાં દીકરીએ ખુબ જ આક્રંદ મચાવ્યો હતો. માતા પિતાને આ હાલતમાં જોઈ દીકરી આઘાતને કારણે તે બેહોશ બની ગઈ હતી.
આપઘાત પહેલાં શૈલેષભાઈએ ટૂંકી સ્યુસાઈડ નોટ લખી હતી, જે પોલીસને મળી આવી હતી. જેમાં કેન્સરની બીમારીની પીડા સહન નથી થતી હવે સહન શક્તિ રહી નથી. જેથી, કંટાળી આ પગલું ભરી રહ્યાનો ઉલ્લેખ કરાયો છે.,આ બનાવથી એકની એક પુત્રી નોધારી થતાં પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.