એશિયા કપ 2022 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત 8 ઓગસ્ટે કરવામાં આવી હતી. 15 સભ્યોની ટીમમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લોકેશ રાહુલ જેવા ક્રિકેટર્સની વાપસી થઇ છે પરંતુ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. જસપ્રીત બુમરાહ બહાર થતા એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે તે ભારતનો બેસ્ટ ફાસ્ટ બોલર છે.
બુમરાહના એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ચર્ચાનો વિષય બનેલો છે. ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટના જાણકારોનુંમાનવુ છે કે જો બુમરાહ ઇજાને કારણે સિલેક્શન માટે હાજર નહતો તો મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીને ટીમમાં કેમ સામેલ કરવામાં નથી આવ્યો. ટીમ યાદી જોઇએ તો ભારતીય સિલેક્ટર્સે માત્ર ત્રણ સ્પેશ્યાલિસ્ટ ફાસ્ટ બોલરની પસંદગી કરી છે જેમાં ભૂવનેશ્વર કુમાર જ અનુભવી છે. જોકે, ભુવીની ફિટનેસ ક્યારે સાથ ના આપે તે કહી શકાય તેમ નથી. આંકડા ઉઠાવીને જોઇએ તો ભૂવનેશ્વર કુમારની કરિયર ઇજાથી પ્રભાવિત રહી છે.
ભૂવનેશ્વર કુમાર સિવાય બે અન્ય સ્પેશ્યાલિસ્ટ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને અવેશ ખાન પાસે એટલો અનુભવ નથી. જોકે, વિન્ડીઝ પ્રવાસમાં અવેશ ખાન મોંઘો સાબિત થયો હતો. બીજી ટી-20 મેચમાં દબાણની સ્થિતિમાં અવેશ ખાન અંતિમ ઓવરમાં નો બોલ ફેકી બેઠો હતો અને ભારતે તેનું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ. એવામાં પસંદગીકાર અવેશ ખાનની જગ્યાએ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરી શકતા હતા કારણ કે એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં અનુભવ ઘણો કામમાં આવે છે.
ફોર્મમાં રહ્યો છે મોહમ્મદ શમી
31 વર્ષો મોહમ્મદ શમી ફોર્મમાં નથી એવુ નથી. ઇંગ્લેન્ડ પ્રવાસમાં તે વન ડે સીરિઝમાં ભારતનો સફળ બોલરમાં સામેલ હતો. સાથે જ આઇપીએલ 2022માં પણ ગુજરાત ટાઇટન્સ માટે તેનું પ્રદર્શન સારૂ રહ્યુ હતુ. શમી વિરૂદ્ધ એક વાત જરૂર જાય છે કે તે ગત વર્લ્ડકપ પછી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ નથી લીધો પરંતુ મોટી ટૂર્નામેન્ટમાં શમી જેવા અનુભવી બોલરની કમી ટીમને પડી શકે છે.
એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કીપર), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન
સ્ટેન્ડ બાય ખેલાડી: શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, દીપક ચહર