જો તમારા મોબાઇલમાં રીંગ રણકે અને અજાણ્યા નંબર હોય તો થઈ જજો સાવધાન:ફોન કોલ અને મેસેજમાં આવેલી લિંક ખોલતા જ એકાઉન્ટ થઈ જશે ખાલી…

રાજકોટ (Rajkot ): જો તમારા મોબાઇલમાં રીંગ રણકે અને અજાણ્યા નંબર હોય તો થઈ જજો સાવધાન…આ ફોન કોલ સાયબર હેકરનો પણ હોઈ શકે છે. જે તમને વાતોમાં ફસાવીને તમારૂં બેંક એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં કરી શકે છે .આપની જરાક ચૂક આપના બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. આ અમે આપને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, સાયબર ક્રાઇમના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.

ગુજરાતમાં કોઇ એવી વ્યક્તિ નહિ હોય જેના મોબાઇલ ફોનમાં ફેક કોલ નહિ આવતા હોય,કોઇ સ્કિમના બ્હાને,કોઇ લોનના બ્હાને,કોઇ લાલચ આપીને તો ક્યારેક મદદના બ્હાને આપને ફોન આવે છે અને તમને જાણ પણ ન હોય તે રીતે આપનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો દરરોજ 80 જેટલી અરજીઓ સાયબર ફ્રોડની આવે છે. ગત વર્ષે 3500 જેટલી ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી .આ વર્ષે અત્યાર સુધીમાં 7 મહિનામાં જ 2900 ફરિયાદ નોંધાઇ છે જેનો આંકડો રૂ. 16.50 કરોડ સુધી પહોંચ્યો છે. હજુ તો વર્ષના અંત સુધીમાં આ આંકડો વધવાની શકયતા છે. આ આંકડા પરથી આપ સમજી શકો છો કે સાયબર હેકરોની જાળ કેટલે સુધી ફેલાયેલી છે.માત્ર ગુજરાત જ નહિ પરંતુ આખા દેશમાં સાયબર ફ્રોડની જાળ ફેલાયેલી છે.

જો તમારી સાથે કોઇ છેતરપિંડી થઇ હોય તો તમે તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફોન કરવો અથવા તો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઇએ.