ઉત્તરાખંડમાં અકસ્માતમાં દિપ્તીબેન ત્રિવેદીએ કહ્યું કે,, 15 થી 20 મિનિટ સુધી વૃક્ષ પર ટીંગાયેલી બસમાં ઝોલા ખાઇ નજર સામે મોતને જોયું..

ભાવનગર (Bhavnagar ):ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડતા 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે.

જેમાં એક ઘાયલ યાત્રી દિપ્તીબેનત્રિવેદીએ કહ્યું કે, અકસ્માત પહેલા તમામ યાત્રાળુઓ ખુબ જ ખુશ હતા. બસમાં તમામ લોકો અંતાક્ષરી રમતા હતા. વાતાવરણ ખુબ જ સારુ હતું. રોડ પર ટ્રાફિક વધુ ન હતો અને વરસાદ પણ પડ્યો ન હતો પરંતુ બસનો ચાલક ખુબ જ સ્પિડમાં બસ ચલાવતો હતો. બે થી ત્રણ વળાંક પર તેણે બસ ખુબ જ ખરાબ રીતે ચલાવી હતી અને ત્યાર બાદ અચાનક જ અમારી બસ ખાઇમાં પડી હતી.ખીણમાં પડેલી અમારી બસ વિશાળ વૃક્ષના કારણે અધવચ્ચે લટકી ગઇ હતી. 15 થી 20 મિનિટ સુધી લટકી રહેલી બસમાં અમે નજર સામે મોતને જોયું હતું.

તમામ યાત્રાળુઓ ભગવાનનું સ્મરણ કરતા હતા અને જાણે ચમત્કાર થયો હોય તેમ નજીકમાંથી પસાર થતા કાવડીયાત્રીઓ અને સ્થાનિક લોકોએ અમને સહીસલામત રીતે બહાર કાઢ્યાં હતા.આ રીતે બસ ખીણમાં પડશે તેવી અમે કલ્પના પણ કરી નહી. સદનસિબે બનાવ બન્યો ત્યાંથી કાવડયાત્રીઓ પસાર થઇ રહ્યાં હોવાના કારણે અમને મદદ મળી શકી હતી. થોડીવારમાં ગ્રામજનો અને પોલીસ પણ આવી જતા અમને બહાર કાઢતા અમારા જીવમાં જીવ આવ્યો હતો. અને અમે બધાએ ભગવાનનો ખુબજ આભાર  માન્યો હતો.