કિર્તીદાન ગઢવી ભજનની સાથે ભોજન માટે બન્યા સેવાભાવી ભક્ત. હર હર મહાદેવના નાદ સાથે આજના દિવસે મહાશિવરાત્રીના મેળાની જુદી જુદી રીતે વિધિઓ શરૂઆત થઈ ગઈ છે. અહી ચાલતા 365 દિવસના સદાવ્રત ઘણા લોકોને ભોજન આપે છે. પરંતુ મહાશિવરાત્રીના મેળામાં આવતા લાખો ભાવિક, ભક્તોને કેટલાય અન્નક્ષેત્રો નિઃ શુલ્ક ભોજન કરાવે છે. ત્યારે ભાવિકોની સેવા કરવામાં આ વખતે કિર્તીદાન ગઢવી પણ જોડાયા છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં અનેક ઉતારામાં અત્યાર સુધી કિર્તીદાન ગઢવી ભજન ગાવા આવતા હતાં. પરંતુ હવે પોતે જ લોકોની સાથે ભજન, ભોજન અને શિવની ભક્તિમાં લીન થશે. શનિવારે મહાશિવરાત્રી છે. ચાર દિવસીય મેળામાં લાખો લોકો મેળાની મુલાકાત લેવા માટે ઉમટી પડશે. હાલ અનેક ક્ષેત્રોમાં 24 કલાક જમવાની વ્યવસ્થા થઈ શકે તેવી સવલતો ઉભી કરી છે.
જેમાં સવારે નાસ્તો, બપોરે અને રાત્રે જમવાની વ્યવસ્થા કરાઇ છે. મહાશિવરાત્રીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર હોય છે તો તે છે નાગા સાધુ-સંતો દ્વારા બનાવવામાં આવતા ધુણાઓ. જનકલ્યાણ માટે સાધુ સંતો આ ધુણા લગાવે છે. ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ બનાવવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધુણાઓ બનાવવામાં આવે છે. ધૂણી ધખાવીને બેઠેલા આ સાધુ સંતો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.
ધૂણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધૂણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધુણાએ સાધુ સંતોની ઓળખ છે અને ધૂણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે. તેમજ શિવરાત્રીનું સ્નાન પૂર્ણ કરી અને ધુણાનું વિસર્જન કરવામાં આવે છે. કિર્તીદાન ગઢવી દ્વારા અહીં લોકોને ગરમા ગરમ ભોજન કરાવવા માટે રસોડામાં સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં એક સાથે ઘણા બધા લોકો જમી શકે અને અહીં આવેલા વ્યક્તિ ભૂખ્યો ન જાય તે માટે સ્વયંસેવકોની ફોજ કામે લાગી છે.