ડુંગળી-બટાકાના ભાવથી દાઝેલા ખેડૂતોને સહાયનો મલમ, કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી

રાજ્ય સરકાર ડુંગળી-બટાકાના ખેડૂતો માટે સહાય જાહેર કરશે. ડુંગળી-બટાકા પકવતા ખેડૂતોને માટે કેબિનેટ બેઠકમાં સહાય માટે મંજૂરી મળી છે.રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે તેવી સૂત્ર મારફતે માહિતી પાપ્ત થઈ છે. રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોને થઈ રહેલા નૂકસાન અંગે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

અગાઉ પણ આ પ્રશ્ને ખેડૂત આગેવાનોએ અને ધારાસભ્યોએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆતો કરી હતી. જેના પ્રતિભાવમાં કૃષિ મંત્રી દ્વારા ખેડૂતોને સહાય કરવા માટે હૈયા ધારણા આપવામા આવી હતી. રાજ્યમાં ડુંગળીના ઘટી ગયેલા ભાવ અંગે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા આજે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના નેતૃત્વમાં મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખા બારૈયા અને ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતને ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી દર્શાવી હતી. પ્રવક્તા મંત્રીએ કહ્યુ હતુ કે, ‘મે માસમાં સંગ્રહ થયેલી ડુંગળીનો ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વપરાશ થઈ જતા તેમજ મહારાષ્ટ્ર-રાજસ્થાનથી ડુંગળીનો ખરીફ પાક બજારમાં આવતા ભાવમાં વધઘટ થાય છે. જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. રાજ્યમાં ડુંગળી પકવતા મુખ્ય જિલ્લાઓમાં ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, સુરે‌ન્દ્રનગર અને અમરેલી વગેરેનો સમાવેશ થાય છે. ખરીફ, લેટ ખરીફ તથા રવી ઋતુ દરમ્યાન ઓક્ટોમ્બરથી ફેબ્રુઆરીમાં સારા બજારભાવ મળતાં હોવાથી લીલી ડુંગળીનું પણ વેચાણ થાય છે.’ મહત્વનું છે કે ભાવનગરમાં ડુંગળીના સતત ગગડી રહેલા ભાવને કારણે જગતના તાતની આર્થિક હાલત વધુ કફોડી થઇ છે.

ત્યારે 26 ફેબ્રુઆરીએ ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સમક્ષ ખેડૂતોએ તેમની વ્યથા રજૂ કરી હતી. ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું હતુ કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોની રજૂઆતની સામે ભગવંત માને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદીની તૈયારી બતાવી હતી. ભગવંત માને ખેડૂતોને આગામી 2 સપ્તાહ સુધી ડુંગળીના પાકનો નાશ ન કરવા જણાવ્યું હતુ. ભગવંત માને કહ્યું કે તેઓ તેમના અધિકારીઓ સાથે વાતચીત કરશે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્લી સરકાર ડુંગળીની ખરીદી કરશે તેવું આશ્વાસન પણ ભગવંત માને ખેડૂતોને આપ્યું હતુ.