રાજકોટ (Rajkot): રાજકોટ શહેર માં છાસવારે અકસ્માત થાય છે . જેમાં રાજકોટની માધાપર ચોકડી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી, જેને પગલે બાઈક પર સવાર બે ભાઈ ફૂટબોલની માફક ફંગોળાયા હતા. એમાં એક ભાઈનું તો ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બીજાએ સારવાર દરમિયાન જીવ ગુમાવતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, બંને કોઠારિયા રોડ પર રણુજા મંદિરની પાછળ પરિવાર સાથે રહેતા હતા. જીત અને ભાવેશ તેમજ તેમના પિતા નીતિનભાઇ ત્રણેય ફર્નિચરનું મિસ્ત્રી કામ કરે છે. આજે સવારે ભાવેશ અને જીત બંને બાઈક પર માધાપર ચોકડી પાસે નવી બની રહેલા બિલ્ડિંગમાં ફર્નિચર કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે અયોધ્યા ચોકથી માધાપર ચોકડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.
મળતી વિગતો મુજબ ,આજે સવારે 11 વાગ્યા આસપાસ 150 ફૂટ રિંગ પર અયોધ્યાચોકથી આગળ માધાપર ચોકડી નજીક પૂરપાટ ઝડપે બેદરકારીપૂર્વક આવી રહેલી ટ્રકે બાઈક સવાર જિતેન્દ્ર ઉર્ફે જીત નીતિનભાઇ નારીગરા અને તેના મોટા ભાઇ ભાવેશભાઇ નીતિનભાઇ નારીગરાને અડફેટે લેતાં બંને ભાઇઓ બાઇક સહિત ફૂટબોલની જેમ ફંગોળાઇ ગયા હતા, જેમાં જીતને ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું
જીતના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા. તેને સંતાનમાં કઈ નથી. જ્યારે ભાવેશના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા. હાલ તેને બે દીકરી છે, જેમાં એક દીકરીની ઉંમર અઢી વર્ષ અને બીજી દીકરીની ઉંમર માત્ર આઠ મહિના જ છે.કે ભાવેશને ગંભીર ઈજા થઈ હતી, પરંતુ તેના હૃદયના ધબકારા ચાલુ હોય તેને બેભાન હાલતમાં તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા.
ભાવેશને પ્રથમ તો ઇમર્જન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તબીબોએ તેની હાલત ગંભીર જોઇ તરત જ આઇસીયુમાં એડમિટ કરી દીધો હતો. જોકે સારવાર દરમિયાન ભાવેશે પણ દમ તોડતાં પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી અને બંને ભાઇઓના મૃતદેહને જરૂરી કાગળ કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.