સમગ્ર દેશમાં ચોમાસાના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદ ઘણા રાજ્યો માટે આફત બનીને આવ્યો છે. દેશના ઉત્તર અને પશ્ચિમી રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, હિમાચલના લાહૌલ અને સ્પીતિમાં પૂર અને હિમસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના પુંછમાં પોશાના નદી પાર કરતી વખતે સેનાના બે જવાનો તણાઈ ગયા હતા. દિલ્હી, હિમાચલ, પંજાબ સહિત દેશનાં ઉત્તરીય રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં 41 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. 1982 પછી એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. આ તરફ ચંદીગઢના ડેરાબસ્સીમાં ઘગ્ગર નદીનું પાણી સોસાયટીમાં ફરી વળ્યા છે. બાદમાં લોકોને બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
મંડીમાં બંજર ઓટ બાયપાસને ઓટને જોડતો 40 વર્ષ જૂનો પુલ વ્યાસ નદીના વહેણમાં તણાઈ ગયો છે. પુલ નદીમાં તણાતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે થોડી જ સેકન્ડોમાં પાણીના ભારે વહેણમાં પુલ તણાઈ ગયો હતો. બીજી તરફ, હિમાચલમાં વીજળી પડવાથી 5 લોકો, જમ્મુમાં 2 અને યુપીમાં 3 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે 3 રાજ્યોમાં 13 લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડમાં છિંકા પાસે ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે અને કુમાઉ ડિવિઝનના ચંપાવતમાં NH-9 બંધ કરી દેવામાં આવ્યો છે.જમ્મુ પૂંચમાં નદીમાં સેનાના બે જવાનો તણાઈ ગયા છે. હાલમાં તેમના માટે બચાવ કામગીરી ચાલી રહી છે. તાવી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. નેશનલ હાઈવે 44 હાલમાં બંધ છે .