સુરત (Surat):સુરત શહેરમાં આપઘાત ના કિસ્સા અવારનવાર જોવા મળે છે પરંતુ આ ઘટના કંપારી છોડાવી દે તેવી હતી .સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસેની ઇશ્વરકૃપા સોસાયટી નજીક પગપાળા જઇ રહેલા યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. જેમાં સીસીટીવી ફુટેજની તપાસ કરતા યુવકે બસ આગળ પોતે પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. સ્કૂલબસ નીચે કચડાયેલા આ યુવકને રસ્તા પર કણસતી અવસ્થામાં જોઈ અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું .
બસના વ્હીલ નીચે કચડાતા ગંભીર ઇજા પામેલા યુવકને લોકોએ 108ને જાણ કરી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં રવાના કર્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી.
સ્કૂલ બસના ડ્રાઈવરે અજાણ્યાને અડફેટમાં લીધો હોવાની જાણ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી.અજાણ્યા યુવકે સ્કૂલબસ નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ કરવા માટે સ્થાનિક વિસ્તારમાં તપાસ કરવા સાથે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી છે.
મામલે પોલીસે જણાવ્યું હતું કે, મૃતક યુવકની ઓળખ થઈ નથી. તેણે શરીરે બ્લૂ ટી-શર્ટ અને પેન્ટ પહેરી છે. તેના જમણા હાથ પર વીંછીનું છૂંદણું ત્રોફાવેલું છે. જો કે, યુવકના ખિસ્સામાંથી માત્ર તમાકુની પડીકી મળી આવી હતી. જ્યારે તેની ઓળખ થઈ શકે તેવી કોઈ વસ્તુ મળી ન આવી હતી. પોલીસે હાલ યુવકની ઓળખ કરવા સાથે પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.