સુરત(surat):બે હજાર ની નોટ બંધ થવાના સમાચાર મળતા જ લોકો બે હજાર ની નોટ ઘરમાંથી જલ્દી કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા છે.આરબીઆઇના નોટિફિકેશન બાદ બેંકોમાં અત્યાર સુધી 800 કરોડથી વધુની નોટો જમા થઈ ગઈ છે. બેંકો નોટ બદલી પણ રહી છે. આ સ્થિતિમાં અનેક બેંકો અને ખાસ કરીને કો-ઓપરેટિવ બેંકો પાસે રૂપિયા 500ની નોટો પણ હવે ઘટવા લાગી છે.
2000ની જે નોટો બેંકોમાં જમા થઈ રહી છે તેના ઢગલા વધવા લાગ્યા છે.શહેરનાં કેટલાંક એટીએમની સ્થિતિ એવી પણ થઈ ગઈ છે કે તેમાંથી 500ની જગ્યાએ 100 અને 200ની નોટ આવવા લાગી છે.
લોકોએ 2000ની નોટો તો જમા કરાવી છે પરંતુ તેની સામે બેંકમાંથી 500ની નોટ ગઈ છે. અહી બેંકો માટે બે સમસ્યા ઊભી થઈ છે. 2000ની નોટોનો જ્થ્થો આરબીઆઇ લઇ રહી નથી અને તેની સામે બેંકોએ જે છૂટા આપ્યા છે તે રકમ આરબીઆઇમાંથી આવી રહી નથી.
સુરતની બેંકોમાં સતત ભીડ જોવા મળી રહી છે. લોકો 2000 રૂપિયાની નોટ જમા કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે. જો કે, શહેરની અનેક બેંકો દ્વારા ગ્રાહકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. અલગ અલગ વાંધા કાઢીને બેંકો નોટો નહીં લેવાના બહાના શોધી રહી છે.
પેટ્રોલ પંપ, ડેરી, મોલ સહિતની જગ્યાઓ પર ગ્રાહકો 2000 રૂપિયાની નોટો વટાવી રહ્યા છે.