સુરત: અવાર નવાર એવા કિસ્સા સામે આવતા હોય છે ,જે જાણીને ખુબ જ ચોકી જઈએ છીએ,સુરત માં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે.
8 ઓગસ્ટ 2019ની રાત્રે છગન વાળા પોતાના ઘરમાં રાતે બાર વાગ્યે સુવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે ઘરે તેમની દીકરી પ્રવિણા સિલાઈ મશીન ઉપર કામ કરતી હતી. છગન વાળાએ કહ્યું કે ‘મશીનનો ખૂબ અવાજ આવે છે, તું કામ બંધ કરી દે, ખૂબ મોડું થઈ ગયું છે’ જે સાંભળીને દીકરી પ્રવિણાએ કામ બંધ કરી દીધું અને ત્યાર બાદ પિતાએ કહ્યું કે ‘તારે કોઈ મૂવી જોવું હોય તો મારો મોબાઇલ લઈને મૂવી જોવાનું શરૂ કરી દે’. પ્રવિણાએ રાતના બાર વાગ્યાની આસપાસ પિતાનો મોબાઇલ હાથમાં લીધો અને મૂવી સર્ચ કરવા લાગી તો તેની સામે ‘તેજાબ’ મૂવી આવ્યું. પ્રવિણાએ થોડીવાર મૂવી જોયું પરંતુ તેને રસ ના પડતા તે સૂઈ ગઈ. પરંતુ તેને ક્યાં ખબર હતી કે આજે રાતે તેમની સાથે જીવનનો અતિ ભયાવહ એવો ‘તેજાબ કાંડ’ થવાનો છે.
છગન વાળાનું મૂળ વતન ગીર સોમનાથનું સનોસારી (બેડિયા) ગામ. પરિવારમાં પત્ની અને બે દીકરી તથા બે દીકરા છે. છગન વાળા ભાવનગરમાં 20 વર્ષ રહ્યા હતા. તળાજામાં તેમનું પોતાનું હીરાનું કારખાનું હતું. આર્થિક સ્થિતિ પણ સારી હતી. ત્યાર બાદ તેઓ 2014માં સુરત આવી ગયા. શરૂઆતમાં છગન વાળાએ નાના નાના કન્સ્ટ્રક્શનના કામ શરૂ કર્યા. પરંતુ 2016માં આવેલી નોટબંધીના કારણે ધંધામાં મંદી આવી, જેની સીધી અસર તેમના કન્સ્ટ્રક્શનના ધંધા ઉપર થઈ. છગન વાળાને પહેલેથી જ દારૂ પીવાની કુટેવ હતી, જે સુરતમાં આવીને ધીરે ધીરે વધી ગઈ અને ધંધો બંધ થવાને કારણે આખો દિવસ ઘરે બેસી રહેતો હતો. દારૂના રવાડે ચડી જવાને કારણે ઘર કંકાસ વધી ગયો.
કન્સ્ટ્રક્શનના કામ બાદ છગન વાળાએ ગોડાદરા વિસ્તારમાં સિલાઈ મશીન માટેના દોરા વેચવા માટે દુકાન શરૂ કરી. જેમાંથી પહેલા કરતા ઓછી આવક થતી હતી. તો બીજી તરફ દારૂ પીવાનું દિવસેને દિવસે વધી જતું હતું, જેને કારણે અવારનવાર પરિવારના સભ્યો સાથે ઝઘડો થતો રહેતો હતો અને તે વાત વાતમાં કહેતો હતો કે ‘હું તમને બધાને મારી નાંખીશ અને તમારા ઉપર એસિડ ફેંકી દઈશ’.
પ્રવિણાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે,’ ‘તેજાબ’ ફિલ્મ અધૂરી છોડીને હું એક વાગ્યા આસપાસ સૂઈ ગઈ અને માતા હંસાબેન, ભાઈ ભાર્ગવ, નાની બહેન અલ્પા અને નાનો ભાઈ તરુણ પણ સૂઈ ગયાં હતાં. બે-અઢી વાગ્યાની આસપાસ તમામ લોકો સૂઈ જતાં પિતા છગન વાળા રસોડામાં મૂકેલી એસિડ બોટલ લઈ ઊઉભો થયો અને પહેલા પત્ની, ત્યાર બાદ દીકરી પ્રવીણા, પુત્ર ભાર્ગવ અને પુત્રી અલ્પા ઉપર એસિડ એટેક કરી દીધો. પહેલા તો પરિવારના સભ્યો કંઈ જ સમજી ન શક્યા કે શું થયું છે.
માતાએ ચીસો પાડી કે તેના ઉપર કંઈક જ્વલનશીલ પદાર્થ પડ્યો છે. જ્યારે પ્રવીણા ઉપર એસિડ પડ્યું ત્યારે તેને એવું લાગ્યું કે કોઈએ તેના ઉપર ગરમ પાણી રેડી દીધું છે. થોડી ક્ષણો માટે તો તેઓ કંઈ સમજી ન શક્યા. પરંતુ ત્યાર બાદ ધુમાડા નીકળવાનું શરૂ થઈ ગયું અને પોતાના પિતાએ એસિડ એટેક કર્યો છે તેવું તેઓ સમજી ગયા. પોતાના પરિવારના લોકો ઉપર એસિડ ફેંકીને પિતાએ ઘરની બહાર તાળું મારવાની તૈયારી કરી લીધી, પરંતુ દીકરીએ ઘરના દરવાજા તરફ દોટ મૂકતાં તેઓ ચાવી ફેંકીને નાસી છૂટ્યા. જોકે નાના દીકરા તરુણ પર એસિડનાંખ્યું નહીં. ત્યાર બાદ સામેના ઘરેથી લોકોને એકત્રિત કર્યા અને આ ઘટના વિશે જાણ કરતાં 108માં તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા.’
8 ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કર્યો?
‘મારા પિતાએ એસિડ એટેક માટે 8 ઓગસ્ટ, 2019નો દિવસ જ કેમ પસંદ કર્યો તેની પાછળનું કારણ પણ અમને હચમચાવી નાંખનારું હતું. 8 ઓગસ્ટે શહેરભરના ડોક્ટરોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. જે બાબતનો મારા પિતાને ખ્યાલ હતો અને તેઓ ઇચ્છતા હતા કે એસિડ એટેક થયા બાદ આ લોકોને કોઈ જગ્યાએ સારવાર પણ મળવી ન જોઈએ જેથી કરીને તેઓ તમામ લોકો મૃત્યુ પામે.