ઈસનપુરમાં મંદિર સામે મળેલા પશુ અંગો મામલે ગણતરીની કલાકોમાં કાર્યવાહી, આરોપી ઝડપાયો

અમદાવાદમાં આજ સવારથી મંદિર સામે પશુના અંગો મળવાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ કરાતા પોલીસ દ્વારા તાબડતોડ કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા બાદ એક્ટિવા ચાલક ફેઝાનની ધરપકડ કરાઈ છે. જે મામલે મોટો ખુલાસો પણ થયો છે. કેમ કે, સવારમાં એ પ્રકારની વાત સામે આવી હતી ગૌ વંશનું માથું છે ત્યારે આ મામલે હવે એવી વિગતો મળી રહી છે કે, ફેઝાન બીફ લઈને જથ્થામાં છૂટક વેચવા માટે એક્ટિવા પર ફરતો હતો. ઈસનપુરની આ ઘટના મામલે આ પ્રકારનો ખુલાસો થયો છે.

અમદાવાદમાં ઈસનપુર વિસ્તારની અંદર ગોવિંદવાડી પાસે આ પ્રકાર શંકર ભગવાનના મંદિર પાસે બહાર પશુના મસ્તકના ટૂકડા જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા અને ઈસનપુર વિસ્તારમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના થેલામાં કાગળની અંદર વિંટેલી હાલતમાં ટૂકડાઓ રોડ જોવા મળતા લાગણી દુભાઈ હતી. હિન્દુ સંગઠનો અને માલધારી આગેવાનોએ ઝડપી કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ફૂટેજ મેળવવાની પણ હાલ તજવીજ હાથ ધરાઇ હતી જેમાં ઝડપી કાર્યવાહી કરી તાત્કાલિક ફેઝાનને પકડી પાડવામાં આવ્યો હતો.

જો કે, પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની મદદ વડે અવશેષનો તપાસવામાં આવશે. જો કે, પ્રાથમિક તપાસમાં બીફનું છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. બીફ ક્યાંથી આવ્યું, કોણે કોણે વેચ્યું તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.