વધારે વાંચવાથી જ આંખોના નંબર આવી જાય છે તે બાબત મિથ છે

જો બાળપણમાં આંખોના નંબર આવી જાય તો ઉંમર વધવાની સાથે તે નંબરમાં વધારો થતો હોય છે. જેથી બાળપણમાં જ જો બાળકની આંખોનું ચેકઅપ સમયાંતરે કરવામાં આવે તો ચશ્માના નંબરમા વધવાથી અટકાવી શકાય છે. હાલ ચાર બાળકમાંથી એકમાં માઈનસ નંબર જોવા મળે છે. આ શબ્દો છે શહેરના ચશ્માના જાણકાર જીષ્નુભાઈ શેઠના. જેમણે પ્રહલાદનગર ખાતે એક સેમિનારમાં જણાવ્યું કે, બાળકમાં જોવા મળતા માઇનસ નંબરને માયોપિયા કહેવામાં આવે છે. તેમાં પણ જ્યારે પાંચ વર્ષના બાળકમાં માઇનસ નંબર આવે ત્યારે તે નંબર વધવાની શક્યતા વધી જાય છે. તેનું મુખ્ય કારણ મોબાઈલ, લેપટોપ, ટીવીના કિરણો. બાળકોમાં માઈનસ નંબર આવી જતા લોકો કહેતા હોય છે કે વધારે વાંચવાથી આંખોના નંબર આવી જાય છે તે બાબત મિથ છે. આંખોના નંબર આવવાના ઘણાં કારણો હોઈ શકે છે, જેમાં જંકફૂડ, ડિજિટલ સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ, ખોટા નંબરના ચશ્મા પહેરવા અને સમયસર આંખનુ ચેકઅપ ના કરાવવાથી પણ આંખોના નંબર વધી જતા હોય છે. વ્યક્તિની આંખોમાં અડધો કે દોઢ નંબર હોય તો મેનેજ થઈ જતુ હોય છે પણ તેનાંથી વધારે નંબર હોય ત્યારે ખાસ કાળજી રાખવી પડતી હોય છે.