સુરતમાં રત્નકલાકારોએ આર્થિક તંગીમાં 3 મહિનામાં 7 હીરાઘસુએ અકાળે જિંદગી ટૂંકાવી,આખરે ક્યાં સુધી ચાલશે મંદી?જાણો.

સુરત(surat):છેલ્લા એક વર્ષથી સુરતમાં ખુબ જ મંદીનો માહોલ ચાલી રહ્યો છે.લાંબા વેકેશન અને પગાર ધોરણ નીચું હોવાના કારણે રત્ન કલાકારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને તેના કારણે આપઘાત કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

રત્ન કલાકારોમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે છેલ્લા ત્રણ મહિનામાં 7 વર્કરોએ આપઘાત કર્યો હોવાના કિસ્સા સામે આવ્યા છે.

રશિયામાં જે રફ ડાયમંડની ખાણો આવેલી છે તેના થકી જ સુરત શહેરને મોટાભાગના રફ ડાયમંડ મળતા હોય છે. રશિયા યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે રફ ડાયમંડની આયાત ખૂબ જ ઓછી થઇ ગઇ હતી.

વર્ષોથી સુરત ડાયમંડ એસોસિએશન કાર્યરત હોવા છતાં પણ રત્ન કલાકારો માટે કોઇ ખાસ કામગીરી કરી નથી. ડાયમંડ એસોસિએશન માત્ર મોટા મોટા ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે એમને વર્કરો સાથે કોઇ નિસબત નથી.રત્ન કલાકારો આપઘાત કરતા હોય છે. પરંતુ ડાયમંડ એસોસિએશન દ્વારા તેમને કોઇ મદદ કરવામાં આવતી નથી.

ઘર કંકાસ થવા પાછળનું મુખ્ય કારણ આર્થિક સંકડામણ છે. રત્ન કલાકારોને પૂરતો પગાર મળતો નથી અને તેના કારણે ઘરમાં  ઝઘડાઓ વધી રહ્યા છે.વેકેશન આપવામાં આવ્યું હતું તે વેકેશનનો પગાર પણ રત્ન કલાકારોને આપવામાં આવતો નથી.

ઘણા કારખાનાની અંદર કામના કલાકો ઘટાડી દેવામાં આવે છે. પરિણામે કામ ઓછા સમયમાં કરતા હોવાથી  પગાર પણ ઓછો મળે છે. એટલું જ નહીં ઘણી હીરા ફેક્ટરીઓમાં શનિ અને રવિવારે રજા આપવામાં આવે છે પરંતુ તેનું વળતર ચૂકવવામાં આવતું નથી.

તેના લીધે આપઘાતના બનાવ ખુબજ વધી રહ્યા છે.