દિલ્હી, પંજાબ અને હિમાચલ સહિત દેશના ઉત્તરી રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં સાત રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરની અલગ-અલગ ઘટનાઓમાં 23 લોકોનાં મોત થયા છે. હિમાચલમાં ઘણી નદીઓ અને નહેરો ખતરાના નિશાનથી ઉપર છે. બે જગ્યાએ વાદળ ફાટ્યું છે.
દિલ્હીમાં રવિવારે 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ આંકડો 25 જુલાઈ 1982 (6.6 ઈંચ) પછી જુલાઈમાં એક દિવસમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.દિલ્હીમાં શનિવારથી ભારે વરસાદ ચાલુ છે.પંજાબમાં સતલજ નદીની આસપાસ આવેલા 15 થી 20 ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. તે જ સમયે, લેહ-લદ્દાખમાં ભારે વરસાદને કારણે 450 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું હતું. હિમાચલમાં 46 મકાનો ધરાશાયી થયા છે.
સૌથી વધારે ખરાબ હાલત હિમાચલ પ્રદેશની છે. ત્યાં કેદારનાથમાં થઈ હતી તેવી જ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નદીના પાણી સાથે કાદવ પણ બસ સ્ટેન્ડ અને બજારમાં ઘૂસી રહ્યા છે. દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ થયો છે. સામાન્ય કરતાં 1.9 ઈંચ વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
જુલાઈમાં 9 દિવસના વરસાદને કારણે દેશનો કુલ વરસાદ હવે સામાન્ય કરતાં વધુ છે. 9 જુલાઇ સુધી સામાન્ય વરસાદ 9.4 ઈંચ હતો. હવે આંકડો તેને વટાવીને 9.5 ઈંચ થઈ ગયો છે, જે 2% વધુ છે. ગુડગાંવમાં 48 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. 5.9 ઈંચ વરસાદ થયો હતો. દિલ્હી અને ગુરુગ્રામમાં રસ્તાઓ નદી બની ગયા. યમુનામાં જળસ્તર વધવાને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. એવી આશંકા છે કે મંગળવારે તે 205.33 મીટરના ખતરાના નિશાનને પાર કરી જશે.