વલસાડ(Valsad ): અત્યારે ચોમાસાની સીજનમાં રોડ પર પડેલા ખાડાને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે .જેમાં વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓના કારણે એક મહિનામાં અકસ્માતની આ પાંચમી ઘટના સામે આવી છે. વલસાડના નેશનલ હાઈવે નંબર-48 ઉપર 4 વાહનો વચ્ચે બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં એક આઈસર ટેમ્પો ટામેટાનો જથ્થો ભરી બેંગલોરથી ભરૂચ માર્કેટ જવા નીકળ્યો હતો.
આ દરમિયાન ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાના કારણે ટેમ્પાનું ટાયર ફાટી ગયું હતું.ટેમ્પાનું ટાયર ફાટી જતાં ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડીવાઇડર કૂદીને હાઇવેની સામેની સાઇડમાં જતો રહ્યો હતો. આ દરમિયાન અહીંથી પંજાબથી ચોકલેટ ભરીને પસાર થઇ રહેલી ટ્રક સાથે ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. ટ્રક અને ટેમ્પો અથડાતા બંને પલટી ગયા હતા. જેમાં ટેમ્પામાં ભરેલા ટામેટા હાઇવે પર પથરાઇ ગયા હતા.
જોકે, ટેમ્પામાં ભરેલા મોંઘા ભાવના ટામેટા રોડ પર પથરાઇ જતાં તેને ભેગા કરવા માટે 4 કલાક જેટલો સમય હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં મોટાભાગના ટામેટા ભેગા કરી લેવાયા હતા. પરંતું ઘણા ટામેટા પટકાઇ જવાથી નુકસાન થયું છે. ટેમ્પો અને ટ્રક અથડાઇને પલટી જતાં અહીંથી પસાર થયેલી એક સ્વિફ્ટ ડિઝાયર કાર અને અન્ય ક્રેટા કાર પણ ટેમ્પા અને ટ્રક સાથે અથડાઇ હતી. ચાર વાહનો વચ્ચેના આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ