સુરત (Surat): સુરતમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે .સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવી બંધાતી બિલ્ડીંગમાં માતા અને પુત્ર સાથે રહી મજૂરીકામ કરતી મૂળ છત્તીસગઢની મહિલાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી લાશ બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાં નાંખી ગુમ થયાની જાણ કરી પોલીસને ચકરાવે ચઢાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવા બંધાતા લેકસીટી રેસીડેન્સીમાં છેલ્લા બે વર્ષથી માતા સુમનબેન અને અઢી વર્ષના પુત્ર વીર ઉર્ફે ભોન્દુ સાથે રહી ત્યાં ચણતરનું કામ કરતી મૂળ છત્તીસગઢની 22 વર્ષીય નયના સુખનંદન મંડાવીએ ગત 27 જૂને ડીંડોલી પોલીસ મથકમાં જાણ કરી હતી.
જો કે, પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી નયનાના પુત્રના અપહરણ અંગે પોલીસને નયના પર જ શંકા હતી. તેની ઉલટતપાસ કરતા શરૂઆતમાં તેણે પોલીસને ચકરાવે ચડાવી હતી. ત્યારબાદ પોતાના પુત્રની તેણે જ ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે હત્યારી માતાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેના પ્રેમીને પામવા તેના અઢી વર્ષના બાળકની હત્યા કરી હતી.પ્રેમીએ તેના બાળક સાથે તેને અપનાવવાનો ઇનકાર કર્યો હતો. જેને લઇ પ્રેમ મેળવવા માસૂમની ગળું દબાવી હત્યા કરી હતી.
હત્યાની કબુલાત કર્યા બાદ પણ તેણે બાળકની લાશ ક્યાં છુપાવી છે? તે પોલીસને મહિલા ગોળ-ગોળ ફેરવી ચકરાવે ચડાવ્યા હતા. બાળકના મૃતદેહ માટે મહિલાએ પોલીસ પાસે જમીનમાં ખાડા ખોદાવ્યા, તળાવ ફિંદાવી ચોક્કસ જગ્યા નહીં બતાવી પોલીસને ચકરાવે ચઢાવી હતી.
બાદમાં મહિલાએ સાચી જગ્યા બતાવી હતી. પોલીસે આજે સવારે અઢી વર્ષીય પુત્રની લાશ જ્યાં છે તે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ મળતા પોલીસે લાશ કબ્જે કરી હત્યાના કારણ અંગે નયનાની પૂછપરછ હાથ ધરી હતી.