સ્લેબ ભરતી વખતે જ અચાનક સ્લેબ ધરાશાયી થયો ,,, આખી રાત ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કરતાં આખરે સવારે સુપરવાઈઝરનો મૃતદેહ મળ્યો….

અમદાવાદ (Amdavad):અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા પનાચે નામની રહેણાક બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો.. શુક્રવારે સાંજે પાંચથી સાડાપાંચ વાગ્યાની આસપાસ આ કન્સ્ટ્રકશન સાઈટ પર સ્લેબ ભરવાનું કામકાજ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક જ સ્લેબ ધરાશાયી થયો હતો.

સ્લેબ તૂટવાની ઘટનામાં સાઇટ પર કામ કરી રહેલા સુપરવાઈઝર યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું છે. અમદાવાદ અને ગાંધીનગરની ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવી વહેલી સવારે સુપરવાઈઝરનો મૃતદેહ કાટમાળ વચ્ચેથી બહાર કાઢ્યો હતો.

જેમાં એક મહિલા અને એક પુરુષને ઈજા થઈ હતી, જેથી આસપાસના મજૂરો ત્યાં દોડી આવ્યા હતા. બંનેને મજૂરોએ જેમ તેમ કરીને બહાર કાઢી લીધા હતા. હાથે અને પગે તેમને ઈજા થઈ હતી, સાથી કામદારોએ તેમને ત્યાં બેસાડ્યા હતા.જોકે પનાચે કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડરની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ તાત્કાલિક ફાયરબ્રિગેડને કેમ જાણ કરવામાં આવી નહીં? જો ફાયરબ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હોત તો તેની ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ કરીને કાટમાળ નીચે દબાયેલા યુવકનો જીવ બચાવી શકાયો હોત.

ફાયરબ્રિગેડને જાણ ન કરવામાં આવી એનાથી જ યુવકનો જીવ ગયો કે કેમ એ અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આ કંપની સામે પોલીસ દ્વારા હવે કેવી કાર્યવાહી થાય છે એના પર સવાલ છે.