હવે આ સેક્ટરમાં રોકાણ કરવા જઈ રહ્યા છે ગૌતમ અદાણી

વીશ્વના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ ગૌતમ અદાણી હવે ટાટા અને બિરલા સાથે બે હાથ અજમાવા તૈયાર છે. તાજેતરમાં તેણે સિમેન્ટના વ્યવસાયમાં પણ પ્રવેશ કર્યો હતો. હવે તેમણે મેટલ બિઝનેસમાં ઉતરવા અંગે નીર્ણય કર્યો છે. આ અંતર્ગત તેમની ગૃપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ ઓરિસ્સામાં એલ્યુમિના રિફાઈનરી પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગૃપ એક પછી એક નવા સેક્ટરમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મુજબ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ અદાણી ગૃપને ફેક્ટરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે, અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મળતી માહીતી અનુસાર, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અદાણી જૂથને ઓરિસ્સાના રાયગડા જિલ્લામાં આ રિફાઇનરી સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર, અદાણી આ પ્રોજેક્ટ પર 5.2 બિલિયન (રૂ. 41 હજાર કરોડ) ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ એલ્યુમિના રિફાઈનરીની કુલ ક્ષમતા 4 મિલિયન ટન હશે.

આ સેક્ટરમાં પ્રવેશ સાથે, અદાણી ગૃપ દેશના દિગ્ગજ ટાટા અને બિરલા ગ્રૂપને સ્પર્ધા આપશે, જેઓ આ ક્ષેત્રમાં પહેલેથી જ કાર્યરત છે, આ નવા વ્યવસાય સાથે. જણાવી દઈએ કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ડિસેમ્બર 2021માં મુન્દ્રા એલ્યુમિનિયમ લિમિટેડ નામની કંપની બનાવી હતી. ત્યારથી અટકળો ચાલી રહી હતી કે, અદાણી ગૃપ ટૂંક સમયમાં એલ્યુમિનિયમ ઉત્પાદન સંબંધિત પ્લાન્ટ સ્થાપશે. હાલ ટાટા ગૃપ આદિત્ય બિરલા ગૃપ અને વેદાંત રિસોર્સ લિમિટેડ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.